વોર્ડ નંબર ૧થી ૬માં ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી ખોરવાતા સભ્યોએ પ્રમુખ સમક્ષ કરી ઉગ્ર રજૂઆત
વલભીપુર તા.3
વલભીપુર નગરપાલિકાના વોર્ડ નંબર ૧થી ૬માં કચરો એકત્રિત કરવા માટેની ટેમ્પોવાન સમયસર આવતી ન હોવાની ફરિયાદો ઉઠતા નગરસેવકોએ પ્રમુખ ગોહિલ ધરમબાને ઉગ્ર રજૂઆત કરી હતી.
નગરપાલિકાના પ્રમુખ ગોહિલ ધરમબાના પ્રતિનિધિ તરીકે કચેરીમાં આવીને વહીવટ કરતા વિજયસિંહ ગોહિલ સમક્ષ પણ નગરસેવકોએ પોતાની રજૂઆતો કરી હતી. આ દરમિયાન સભ્યોએ સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે નગરપાલિકાના પ્રમુખ તરીકે પત્ની જવાબદારી સંભાળી રહ્યાં છે, ત્યારે તેમના પતિ દ્વારા વહીવટી કામગીરીમાં દખલગીરી કરવાની શું જરૂર છે?
નગરસેવકોના જણાવ્યા મુજબ વોર્ડ નંબર ૧થી ૬ના નગરજનો સવારથી સાંજ સુધીમાં અનેક વખત ફોન કરીને કચરાની ગાડી સમયસર આવતી ન હોવાની ફરિયાદો કરી રહ્યા છે. જેના કારણે સોસાયટીઓ અને રહેણાક વિસ્તારોમાં કચરાના ઢગલા જમા થઈ રહ્યા છે અને દુર્ગંધથી લોકો પરેશાન થઈ રહ્યા છે.
વોર્ડ નંબર ૫ના નગરસેવક તેમજ સફાઈ સમિતિના ચેરમેન ભાર્ગવ મહેતાને પણ આ સમસ્યાની જાણ છે કે નહીં તેવો સવાલ નગરજનોમાં ચર્ચાઈ રહ્યો છે. જો સફાઈ સમિતિના ચેરમેનને જ આવી ગંભીર સમસ્યાનો ખ્યાલ ન આવતો હોય તો પછી સફાઈ વ્યવસ્થાની જવાબદારી કોણ નિભાવી રહ્યું છે?
આજે નગરપાલિકા ખાતે વોર્ડ નંબર ૫ના ભોરણીયા, નીતિનભાઈ, ભરતભાઈ કામ્બડ, સોલંકી દીપકભાઈ, પરમાર ભરતભાઈ, હિરેનભાઈ ગોસાઈ અને ગોહિલ ચતુરસિંહ સહિતના સભ્યોએ પ્રમુખ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી.
હવે દિવાળી પર સુરત, અમદાવાદ, મુંબઈ સહિતનાં શહેરોમાં વસવાટ કરતા વલભીપુરના સર્વ સમાજના લોકો પોતાના વતન પરત ફરવાના છે. આવા સમયે જો નગરપાલિકા દ્વારા સમયસર કચરો ઉપાડવાની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો નગરજનો, વેપારીઓ અને વતન આવતા મહેમાનોને ભારે હાલાકી ભોગવવી પડશે.
નગરસેવકોનું કહેવું છે કે વતન પરત ફરતા લોકોને જો શહેરમાં ગંદકી અને અવ્યવસ્થાનો સામનો કરવો પડશે તો તેઓ નગરપાલિકાની કામગીરીથી નારાજ થઈને જશે. હવે સવાલ એ છે કે શું વલભીપુર નગરપાલિકાનું તંત્ર દિવાળી પહેલાં સફાઈ વ્યવસ્થા સુધારશે? કે પછી ભાજપના જ નગરસેવકોની રજૂઆત પણ કચેરીના ટેબલ સુધી જ સીમિત રહી જશે?
રિપોર્ટર: ધર્મેન્દ્રસિંહ સોલંકી, વલભીપુર
















