કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ગરીબ કલ્યાણ મેળાની પૂર્વ તૈયારી અંગે જિલ્લા સમાહર્તાશ્રી હિતેષ કોયાની અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડમાં બેઠક યોજાઇ હતી. આગામી ૨૪,૨૫,૨૬ ફેબ્રુઆરીએ સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાઓ યોજાશે.સાબરકાંઠા જિલ્લામાં આગામી ૨૪ ફેબ્રુઆરીએ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ,હિંમતનગર ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાશે.
રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ લાભાર્થી સુધી પહોંચે તે સરકારનો અભિગમ રહ્યો છે.રાજ્યમાં ગરિબ વ્યક્તિ પોતાનુ જીવન ગરિમા પુર્ણ જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે ગરીબ કલ્યાણ મેળાનુ આયોજન કરવામાં આવે છે. આ બેઠક્માં ગરીબ કલ્યાણ મેળામાં છેવાડાના ગરીબ વ્યક્તિને તેનો લાભ મળી રહે તે માટે ખાસ આયોજન અંગેની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લાના વિભાગોને ગરીબ કલ્યાણ મેળા વિષયક વિવિધ કામગીરી સોંપવામાં આવી હતી. ગરીબ કલ્યાણ મેળામાં જરૂરિયાતમંદ લાભાર્થીઓને અગ્રતા આપી એક મંચ પરથી વિવિધ યોજનાકીય સાધન સહાયથી લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવશે. દરેક અમલીકરણ અધિકારીઓએ ખાસ રસ લઈ પોતાના વિભાગની યોજનાઓના લાભાર્થીઓની યાદી તૈયાર કરી આ મેળા થકી વધુમાં વધુ લાભાર્થીઓને સરકારી સહાય મળી રહે તે જોવા કલેક્ટરશ્રીએ અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં અધિક કલેક્ટર શ્રી એસ.આર.મોદી, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ડામોર, પ્રાયોજના વહિવટદાર શ્રી અસારી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડો. રાજેશ પટેલ અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.