જામનગર: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ૨૧ જુન વિશ્વ યોગ દિને સમગ્ર દેશમાં કોરોના વેકસિનેશન અભિયાનને વધુ સઘન બનાવવા દરેક નાગરિકને નિ:શુલ્ક રસી આપવા માટેનો નિર્ધાર કરવામાં આવ્યો છે. જેના પરિણામ સ્વરૂપ આજરોજ રાજ્યકક્ષાએથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા અને જામનગર ખાતેથી વોર્ડ નં.૩માં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ વોર્ડ નં. ૧૫માં કૃષિ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી આર.સી.ફળદુ દ્વારા આ મહા વેકિસનેશન અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સાથે જ જામનગર શહેર ખાતે વિવિધ વોર્ડમાં સાંસદશ્રી, મેયરશ્રી, ડેપ્યુટી મેયર શ્રી તથા અન્ય પદાધિકારીઓ દ્વારા પ્રધાનમંત્રીશ્રીના નિર્ધારને પરિપૂર્ણ કરવા વિવિધ વોર્ડમાં આ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
કોરોના સામે લડવા વેક્સિન જ અમોઘ શસ્ત્ર છે. સમગ્ર દેશમાં હાલ ગુજરાત રાજ્ય વેક્સિનેશન અભિયાનમાં અગ્રીમ રહી ૨ કરોડ ૨૦ લાખ નાગરિકોને વેક્સિન આપવામાં સફળ રહ્યું છે, જ્યારે જામનગર જિલ્લો તો રસીકરણમાં રાષ્ટ્રીય કક્ષાએ અગ્રીમ રહ્યો છે તો જામનગરનો એક પણ નાગરિક વેકસિન વિના ન રહે તે માટે આજથી આ મહાઅભિયાનનો શુભારંભ થયો છે. આ માટે ડોર ટુ ડોર સર્વેલન્સ થકી પણ કામગીરી કરાઈ રહી છે.
આવતીકાલની સલામતી માટે રસી લઇ સ્વયંને અને સમાજને સુરક્ષિત બનાવવા તેમજ ભય વગર રસી લેવા મંત્રીશ્રીઓ દ્વારા જનતા જનાર્દનને અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ તકે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી મનીષ કટારીયા, કોર્પોરેટર શ્રી કેશુભાઈ માડમ, પૃથ્વીસિંહ ઝાલા, જયેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, ડિમ્પલબેન રાવલ, દિવ્યેશભાઈ અકબરી, હર્ષાબા જાડેજા, જયંતીભાઈ ગોહિલ, શોભનાબેન પઠાણ, મહામંત્રીશ્રીઓ મેરામણભાઈ ભાટુ, ગોપાલભાઈ સોરઠીયા, વોર્ડ પ્રમુખશ્રી જયેશભાઈ ઢોલરીયા, જામનગર મહાનગરપાલિકાના એમ.ઓ.એચ શ્રી ઋજુતાબેન જોશી અને વેક્સીનેશન સેન્ટરોના ડો. અભિષેક કનખરા તથા ડો. કુનાલ સોલંકી વગેરે પદાધિકારીઓ- અધિકારીઓ અને બહોળી સંખ્યામાં રસી લેવા માટે યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.