યાત્રાધામ પાલિતાણામાં તા.16 માર્ચના રોજ તિર્થાધિરાજ શત્રુંજયની છગાઉની પાવનકારી મહાયાત્રાનુ આયોજન થયું હતું. આ મહાયાત્રા નિમિતે આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા આદપુર ખાતે 100 જેટલા પાલ બનાવવાનુ આયોજન થયું હતું. સ્થાનિકો છગાઉની મહાયાત્રાને ઢેબરીયો મેળો તરીકે પણ ઓળખાય છે. આ યાત્રા નિમિતે ગુજરાત તેમજ ગુજરાત બહારથી અસંખ્ય ભાવિકો પાલિતાણા ખાતે ઉમટી પડ્યા હતા અને યાત્રા કરીને પાવન થયા હતા. આ યાત્રાને લઇને જૈન સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે ખાસ કરીને કોરોનાને કારણે ગયા 2 વર્ષથી યાત્રા યોજાઈ ન હતી તેથી આવર્ષે મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકા ઉમટી પડ્યા હતા.
જૈનોમાં મહત્વના પાંચ તિર્થોમાંનુ એક પાલિતાણા છે. શાશ્વત તીર્થ તરીકે જાણીતા એવા પાલિતાણાની યાત્રા ન કરી હોય તેવા કદાચ બહુ ઓછા જૈન જોવા મળશે જૈન શાસ્ત્રો મુજબ મહા પવિત્ર શત્રુંજય મહાતીર્થની છગાઉની યાત્રા કરવાનો અનેરો લ્હાવો છે. જૈન માન્યતા અનુસાર શત્રુંજયની યાત્રા દરમ્યાન શ્રીકૃષ્ણના પુત્ર શાંબ અને પ્રદ્યુમન સાડા આઠ કરોડ મુનીઓ સાથે ફાગણ સુદ તેરસના દિવસે મોક્ષ પામ્યા હતા. તેથી દર વર્ષે ફાગણ સુદ તેરસના રોજ છગાઉની મહાયાત્રા કરવા માટે અહીં દેશ વિદેશમાંથી હજારો ભાવિકો ઉમટી પડે છે.
શત્રુંજય મહાયાત્રાનો પ્રારંભ જયતળેટીથી થાય છે. યાત્રીકો જય તળેટી બાદ બાબુનુ દેરાસર, જલમંદિર, રત્નમંદિર, સમવસરણ, હનુમાનધારા, રામપોળ વગેરે થઇને દાદાનુ મુખ્ય દેરાસર છે. ત્યાં પહોંચે છે. ત્યાં તેઓ ઋષભદેવ ભગવાનના દર્શન પુજા કરે છે. આ યાત્રા દરમ્યાન રસ્તામાં હીરાબાઇનો કુંડ ભુખણદાસનો કુંડ, સુરજકુંડ વગેરે અનેક કુંડો આવે છે.
છગાઉની આ મહાયાત્રામાં ભગવાન ઋષભદેવના દર્શન કરી રામપોળથી બહાર આવી જમણી બાજુના રસ્તેથી યાત્રીકો આગળની યાત્રા શરૂ કરે છે. જેમાં આગળ વધતા આ ગીરીરાજ ઉપર સૌપ્રથમ મોક્ષ પામનાર દેવકીના છપુત્રોનુ મંદિર આવે છે. ત્યારબાદ ઉલ્કાજલ, અજીતનાથ શાંતિનાથની દેરીઓ, ચંદનતલાવડી, ભાડવા ડુંગર અને સૌથી છેલ્લે સિદ્ધવડ આવે છે. જયાં યાત્રીકો ચૈત્યવંદન કરી ધાર્મિક ક્રિયાઓ કરી છગાઉની મહાયાત્રાની પૂર્ણાહૂતિ કરે છે.
છગાઉની મહાયાત્રા પૂર્ણ કરી યાત્રીકો આદપુર પહોંચે છે. ત્યાં દરેકનુ બહુમાન કરી સંઘપૂજન કરાય છે. આદપુર ખાતે આ.ક.પેઢી દ્વારા 100 પાલ બનાવવામાં આવ્યા હતા. આ પાલમાં વિવિધ જૈન સંઘો દ્વારા ચા પાણી,સરબત,દહીં, ઢેબરા, પુરી, ફ્રુટ વિગેરેની ભક્તિ કરવામાં આવે છે. જુદા જુદા પાલોમાં ભક્તિ કરનારા આયોજકો યાત્રીકોને પોતાના પાલમાં પધારી સાધર્મિક ભક્તિનો લાભ આપવા બેહાથ જોડી વિનવતા હોય છે. ત્યારે અનેરા ભાવુક દ્રશ્યો સર્જાતા હોય છે.