કપિલ પટેલ દ્વારા અરવલ્લી
માલપુર તાલુકાના અણીયોર ખાતે બાર ગામના ક્ષત્રિય સમાજના ૧૫૦૦૦ થી વધુ લોકો એક સ્થળે એકઠા થઈ રંગોના તહેવાર ધુળેટી પર્વની રંગેચંગે ઉજવણી કરે છે, તેઓ પરંપરાગત રીતે તહેવારને અનુરૂપ વેશભૂષા ધારણ કરી, હાથમાં લઠ – તલવારો લઇ ઢોલ નગારાના તાલે ઝૂમી આનંદ ઉલ્લાસથી ધુળેટી પર્વની ઉજવણી કરે છે….
આજરોજ ધુળેટી પર્વ નિમિત્તે ક્ષત્રિય સમાજના લોકપ્રિય એવા બાયડ – માલપુરના પૂર્વ ધારાસભ્ય, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના ઉપપ્રમુખ ધવલસિંહ ઝાલા અણીયોર ખાતે બાર ગામ દ્વારા પરંપરાગત રીતે ઉજવવામાં આવતી ધુળેટી પર્વ નિમિત્તે ઉપસ્થિત રહી ઢોલ નગારા તાલે પોતાના મતવિસ્તારના લોકો સાથે ઝૂમ્યા હતા. મતવિસ્તારના લોકપ્રિય નેતા બાર ગામની ૧૫૦૦૦ થી પણ વધુ જનમેદની વચ્ચે ધુળેટી પર્વની ઉજવણી કરવા આવતાં લોકો ભારે ઉત્સાહમાં આવી ગયા હતા અને પોતાના લોકપ્રિય નેતાને ખભે ઉંચકી લઈ ખુબ ઝૂમ્યા હતા….
ઉલ્લેખનીય છે કે, અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના અણીયોર વિસ્તારના બાર ગામના ૧૫૦૦૦ થી વધુ ક્ષત્રિય સમાજની મહિલાઓ બાળકો સહિત લોકો એકઠા થઇ તહેવારને અનુરૂપ વેશભૂષા ધારણ કરી, લઠ – તલવારો સાથે ઢોલ નગારાના તાલે ઝૂમી હર્ષોલ્લાસ સાથે ધુળેટી પર્વની ઉજવણી કરે છે, કોઈ એક સમાજના લોકો આટલી મોટી સંખ્યામાં એકઠા થઇ ધુળેટી પર્વની ઉજવણી કરતા હોય તેવું ભાગ્યેજ જોવા મળતું હશે….