અમદાવાદ: જમ્મુ અને કાશ્મીરમાં પ્રવર્તમાન સુરક્ષા સ્થિતિ અંગે માહિતી મેળવવા માટે, આર્મી કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ જે.એસ. નૈન, પરમ વિશિષ્ટ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ, સેના મેડલની અધ્યક્ષતામાં પૂણે સ્થિત સધર્ન કમાન્ડના નેજા હેઠળ ડેઝર્ટ કોર દ્વારા વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વેબિનારમાં કાશ્મીરમાં સામાજિક, રાજકીય અને આર્થિક રૂપરેખાઓનો વિકાસ, કલમ 370 નાબૂદ કર્યા પછીની સ્થિતિ અને તેના પરિણામે વૈશ્વિક તેમજ રાષ્ટ્રીય સુરક્ષા પરિદૃશ્યમાં આવેલા પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ત્યારપછી, ભાવિ રૂપરેખા પર એક સંવાદ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમણે સુશાસનના વિવિધ આધારસ્તંભોથી કાશ્મીર સાથે કામ કર્યું છે તેવા અગ્રણી પ્રેક્ટિશનરોએ વર્તમાન મુદ્દાઓ પર તેમના નિખાલસ મંતવ્યો રજૂ કર્યા હતા.
પેનલિસ્ટોમાં લેફ્ટેનન્ટ જનરલ ડી.પી. પાંડે, GOC ચિનાર કોર, લેફ્ટેનન્ટ જનરલ કે.જે.એસ. ધિલ્લોન (નિવૃત્ત), ભૂતપૂર્વ GOC ચિનાર કોર, જેમણે પુલવામા ઘટના દરમિયાન તે બાબતોનું સુકાન સંભાળ્યું હતું, તેમજ શ્રી રાજેન્દ્ર કુમાર, જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ DGP અને શ્રી ટી.સી.એ. રાઘવન, પાકિસ્તાનમાં ભારતના ભૂતપૂર્વ ઉચ્ચાયુક્ત અને વિદેશ નીતિના નિષ્ણાંત, સામેલ રહ્યા હતા. જાણીતા પત્રકાર શ્રી આદિત્ય રાજ કૌલ, જાણીતા લેખક અને એક્ટિવિસ્ટ શ્રી બશીર અસદ, શ્રી અયાઝ વાની, શ્રી રાજા મુનીબ અને IDSA ખાતે દક્ષિણ એશિયાના નિષ્ણાંત ડૉ. અશોક બેહુરિયાએ પણ તેમના મંતવ્યો રજૂ કર્યા હતા અને ભાવિ માર્ગનું સૂચન કર્યું હતું.
વક્તાઓએ કાશ્મીરમાં બદલાતી ગતિશીલતાઓ અને સુરક્ષા સ્થિતિ પર તેની અસરો અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. જમ્મુ અને કાશ્મીરમાં પ્રવર્તમાન સ્થિતિ પર સંભવિત અસરો સાથે વૈશ્વિક, રાષ્ટ્રીય અને પ્રાદેશિક પરિપ્રેક્ષ્યથી જોખમનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને તેના પર ચર્ચા કરવામાં આવી હતી. આપણા વિરોધીઓના છૂપા એજન્ડાથી પ્રેક્ષકોને માહિતગાર કરવા માટે એક સત્ર દરમિયાન તેમની સમક્ષ આંદોલનાત્મક ગતિશીલતા અને વ્હાઇટ-કોલર ત્રાસવાદ અંગે ઊંડાણપૂર્વક મૂલ્યાંકન પણ રજૂ કરવામાં આવ્યું હતું.
આ વેબિનાર દ્વારા સુશાસનના તમામ સ્તરો પર માલિકી સુનિશ્ચિત કરવા માટે એક નક્કર અને સંતુલિત “સંપૂર્ણ રાષ્ટ્ર”ના અભિગમની જરૂરિયાત પર ભાર મૂકવા ઉપરાંત, કાશ્મીર અને તેના લોકો માટેના ભાવિ પૂર્વાનુમાન અંગેની પ્રતિભાવ ગણતરીને સંચાલિત કરવા માટે વિવિધ હિતધારકો મેળવવાનો પ્રામાણિક પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આર્મી કમાન્ડરે તેમના સંબોધનની સમાપન ટિપ્પણીમાં આ વેબિનારની મુખ્ય બાબતોનો પુનરુચ્ચાર કર્યો હતો અને યુવા અધિકારીઓને દેશની વર્તમાન સ્થિતિથી અવગત રહેવા માટે તેમજ ભૂ-વ્યૂહાત્મક મોરચા પર કાશ્મીરની ઉભરી રહેલી ગતિશીલતાને સમજવા માટે પ્રભાવિત કર્યા હતા.
તેમણે યુવાનો મુખ્ય પ્રવાહને અનુરૂપ રહે તે સુનિશ્ચિત કરવા માટે શિક્ષણ પ્રણાલીમાં સુધારાની આવશ્યકતા હોવાનું કહ્યું હતું અને મુખ્ય સંસ્થાઓમાં નાર્કો ત્રાસવાદ રોકાવા તેમજ ઘુસણખોરી વિરુદ્ધ સુરક્ષાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. તેમણે ખાસ પુનરુચ્ચાર કર્યો હતો કે, છેલ્લા કેટલાક વર્ષમાં જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370ની નાબૂદી, સીમાંકન અને પૂર્વાયોજિત રાજ્યનો દરજ્જો આપવા જેવા નિર્ણયો લેવામાં આવ્યા તે એક એવું મજબૂત અને નિર્ણાયક નેતૃત્વ દર્શાવે છે જે, એક ધર્મનિરપેક્ષ, બહુમતીવાદી એજન્ડાને આગળ ધપાવે છે, તેમજ જમ્મુ અને કાશ્મીરના વિકાસ અને કલ્યાણ માટે તે જરૂરી પણ છે. તેમણે જણાવ્યું હતું કે, બહેતર નીતિ ઘડતરના નિર્ણયોને સક્ષમ કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને સામાજિક-આર્થિક અસરના ઓડિટને ધ્યાનમાં લઇ શકાય.
આર્મી કમાન્ડરે તમામ હિતધારકોને સલાહ આપી હતી કે, તેઓ પાકિસ્તાનના આગામી વ્યૂહાત્મક પેંતરાઓનો સામનો કરવા માટે તૈયાર રહે. તેમણે કહ્યું હતું કે, ભારત મુત્સદ્દીગીરી અને વાતચીત દ્વારા શાંતિ તેમજ સમસ્યાઓના નિરાકરણ માટે ઊભું છે, પરંતુ આના માટેની પૂર્વશરત એ છે કે, શાંતિ માટેની શરતો યોગ્ય હોવી જોઇએ અને પાકિસ્તાન દ્વારા કરવામાં આવતું પ્રોક્સી વોર બંધ થવું જોઇએ.
આ વેબિનારમાં સધર્ન કમાન્ડ હેઠળ આવતા વિવિધ 32 સ્ટેશનોમાંથી 1100 જેટલા અધિકારીઓ જોડાયા હતા.
આ વેબિનારમાં આપવામાં આવેલી માહિતીથી વધુ સશક્ત અને માહિતીસભર બન્યા હોવાથી પેનલિસ્ટો દ્વારા આપવામાં આવેલી આંતરિક માહિતી અંગે આ પહેલની વ્યાપક પ્રમાણમાં પ્રશંસા કરવામાં આવી હતી.