Education

મા અંબાના સાનિધ્યમાં શ્રેષ્ઠ શિક્ષકોનો મહાસંગમ: એવોર્ડી ટીચર્સ ફેડરેશનનું ગરિમાપૂર્ણ અધિવેશન યોજાયું.

અંબાજી ખાતે મા અંબાના પવિત્ર સાનિધ્યમાં તાજેતરમાં ગુજરાત રાજ્ય (રાજ્ય અને રાષ્ટ્રીય) એવોર્ડી ટીચર્સ ફેડરેશનનું વાર્ષિક શૈક્ષણિક અધિવેશન અત્યંત ભવ્ય અને ગરિમાપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું. બનાસકાંઠા જિલ્લાના યજમાન પદે યોજાયેલા આ મહાસંમેલનમાં રાજ્યભરમાંથી વિશાળ સંખ્યામાં એવોર્ડી શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

સમારંભના અધ્યક્ષ સ્થાનેથી પાલનપુરના યુવા ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરે લાગણીસભર ઉદ્દગારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મારા સિવાય મારો આખો પરિવાર શિક્ષણ જગત સાથે જોડાયેલો છે. મા અંબાના ધામમાં યોજાયેલા આ પ્રસંગે હું વિદ્યાદાતા ગુરુજનોનાં દર્શન કરી ધન્યતા અનુભવું છું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ પ્રાથમિક શિક્ષણ નિયામક ડૉ. એમ. આઈ. જોશીએ પોતાના પ્રેરણાદાયી ઉદબોધનમાં ભારપૂર્વક કહ્યું હતું કે, જે વિદ્યાર્થીના જીવનમાં આમૂલ પરિવર્તન લાવે તે જ સાચો અને શ્રેષ્ઠ શિક્ષક છે, અને એવોર્ડી શિક્ષકોએ સમાજમાં પોતાની આ શ્રેષ્ઠતા સતત જાળવી રાખવી પડશે.

આ પ્રસંગે શ્રીરામ વિદ્યાલય પાલનપુરના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રામચંદભાઈ એસ. ગોવિંદા પણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ ગરિમામય સમારંભમાં વર્ષ 2025ના રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કરનાર ૨૯ શિક્ષકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ તેમને ગુજરાત રાજ્ય પરિવહન (S.T.) નિગમની બસોમાં નિઃશુલ્ક મુસાફરી માટેના સ્માર્ટ કાર્ડ એનાયત કરાયા હતા.જેમાં આણંદના એવોર્ડી શ્રી મુકેશભાઈ મહિડાનું પણ સન્માન થયું હતું. આ ઉપરાંત, ફેડરેશનની પરંપરા મુજબ ક્રિડા સાધના, રમત માર્ગદર્શક, વિદ્યાનિધિ, પર્યાવરણ રક્ષક, વિજ્ઞાન સાધના અને સમાજ રત્ન જેવા વિશિષ્ટ પારિતોષિકો ૨૮ શિક્ષકોને અર્પણ કરવામાં આવ્યા હતા.

અધિવેશન પૂર્વે યોજાયેલી કારોબારી અને સાધારણ સભામાં એવોર્ડી શિક્ષકોની મોટી હાજરી વચ્ચે આગામી સમયમાં ફેડરેશનનું ‘ઈ-મેગેઝીન’ શરૂ કરવા, નવી ડિરેક્ટરી તૈયાર કરવા તેમજ બંધારણની પુનઃરચના કરવા અંગેના મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. આ પ્રસંગે અંબાજી ટેમ્પલ કમિટીના વહીવટદાર શ્રી કૌશિકભાઈ મોદી, દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મધુબેન ભટ્ટ, મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન શ્રી મનુભાઈ ચોકસી તથા ટાટા મોટર્સના શ્રી કનુભાઈ અગ્રવાલ અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ પદેથી સંબોધન કરતા શ્રી કૌશિક મોદીએ પોતાની શિક્ષક તરીકેની કારકિર્દીના સંસ્મરણો તાજા કર્યા હતા.

કાર્યક્રમના સફળ આયોજનમાં માતૃશ્રી એસ.એસ. ગોવિંદા ફાઉન્ડેશન (પાલનપુર), નવનીત એજ્યુકેશન લિમિટેડ (અમદાવાદ), શ્રી શિવશંકર ચુનીલાલ જોશી ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ-હડાદ), ટાટા મોટર્સ (પાલનપુર) અને શ્રી નિલેશભાઈ બુંબડિયા (અંબાજી)નો સહયોગ પ્રાપ્ત થયો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મહામંત્રી શ્રી સંજયભાઈ પટેલે ફેડરેશનની રૂપરેખા આપી હતી, પ્રમુખ શ્રી શૈલેષભાઈ પટેલે સ્વાગત પ્રવચન અને શ્રી ઉમેશભાઈ પટેલે આભાર વિધિ કરી હતી.

આ મહાસંમેલનને સફળ બનાવવા બનાસકાંઠાના એવોર્ડી શિક્ષકો શ્રી વીરચંદભાઈ પંચાલ, શ્રી શિવરામભાઈ પ્રજાપતિ, શ્રી કનુભાઈ આચાર્ય, શ્રી ઉમેશભાઈ પટેલ અને શ્રી ચંદુભાઈ મોદી સહિતના હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી. આણંદથી એવોર્ડી ફેડરેશનના જિલ્લા પ્રતિનિધિ મુકેશભાઈ મહિડાએ વિગતો પૂરી પાડી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 20

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *