અંબાજી, સંજીવ રાજપૂત: : અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો તેના અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે લાખોની સંખ્યામાં દૂર દૂરથી માં અંબાના દર્શન કરવા પહોંચી રહ્યા છે આ મેળામાં એકસાથે ત્રણ યાત્રાધામના વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા દર્શન ભક્તો માટે અનેરું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ગુજરાત સરકાર સાથેની ભાગીદારીમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ 26મી સપ્ટેમ્બરથી 29મી, સપ્ટેમ્બર, 2023 સુધી સવારે 8:00 થી બપોરના 12:00 સુધી ભક્તોને અભૂતપૂર્વ વર્ચ્યુઅલ દર્શનનો અનુભવ પૂરો પાડતાં ગર્વ અનુભવી રહ્યા છે. અંબાજી ખાતે ડી કે ત્રિવેદી ઓફિસની સામે કલ્ચરલ પ્રોગ્રામ એરિયા ખાતે આ સેન્ટરમાં અંબાજી, સોમનાથ અને દ્વારકા યાત્રાધામના વીઆર હેડસેટ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ સેન્ટરમાં વર્ચ્યુઅલ રિયાલિટીની અદ્યતન ટેકનોલોજી દ્વારા ત્રણેય યાત્રાધામના ખૂણે ખૂણાના દર્શન ભક્તો પોતાને ત્યાં સ્વ ઉપસ્થિત રહેવાની અનુભૂતિ સાથે કરી રહ્યા છે.
જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલ દ્વારા પણ આ કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. આ ત્રણેય યાત્રાધામ અંબાજી, દ્વારકા અને સોમનાથના વર્ચ્યુઅલ દર્શન ભક્તોમાં અનેરું આકર્ષણ જમાવી રહયું છે અને તેઓ રોમાંચિત બની આનો લાહવો લઈ રહ્યા છે તેવું આ સેન્ટરના વિક્કીભાઈ અને તસ્લિમભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું.