શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા ભક્તો મોટાભાગે બસ કે ખાનગી વાહનોમાં આવતા હોય છે જ્યારે મોટાભાગના લોકો રેલવે દ્વારા આબુરોડ કે પાલનપુર સુધી આવતા હોય છે.
પરંતુ જ્યારે અંબાજી મંદિરમાં આવેલા બુકિંગ સેન્ટરમાં લોકો કે યાત્રિકો ટિકિટ બુક કરાવવા માટે જાય ત્યારે અહીં હાજર કર્મચારી ફોન ઉપર જ લાગેલા જોવા મળે છે. સ્થાનિક લોકો વધુ પૂછતા યોગ્ય જવાબ આપવામાં આવતો નથી. જ્યારે ઓળખીતા લોકોને ફટાફટ કામ કરી આપવામાં આવે છે, તેવા આરોપ લાગી રહ્યા છે.
રેલવેના ડીઆરએમ દ્વારા તાત્કાલિક ધોરણે અંબાજી મંદિરમાં આવેલા સેન્ટર ખાતે સારા કર્મચારીની નિમણૂક કરવામાં આવે તેવી માંગ ઊઠવા પામી છે. અંબાજી મંદિરમાં બપોરે બે કલાક સુધી જ રેલવે બુકિંગ સેન્ટર ચાલુ હોય છે. કોઈ સંજય શર્મા નામના રેલવે કર્મચારી આબુરોડ થી અહીં આવે છે.
અંબાજી આવ્યા બાદ તેઓ માતાજીના દર્શન કરવા જાય છે અને ત્યારબાદ સેન્ટર ઉપર આવે છે,એટલે લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે. યાત્રિક પૂછે કે કેમ મોડા આવ્યા છો તો કહે છે કે દર્શન કરવા મંદિરમાં ગયો હતો,પ્રસાદ ખાવા મંદીર ગયો હતો. આમ ત્રણ ચાર કલાકના સમયગાળામાં યાત્રિકો મોટા પ્રમાણમાં ટિકિટ બુક કરાવવા આવે છે, ત્યારે મોટાભાગના યાત્રિકોને માંગ્યા મુજબની ટિકિટ મળતી નથી અને ટ્રેનમાં વેટિંગ છે તેવું કહેવામાં આવે છે.
અહેવાલ રાકેશ શર્મા અંબાજી