Latest

ગારિયાધાર તાલુકાના ફાચરિયા ગામે સેવા સેતુ કાર્યક્રમમાં કરવામાં આવી નૂતન પહેલ

શાળા કે કોલેજમાં ભણતાં વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ માટે જરૂર પડતાં જાતિના પ્રમાણપત્રો વિનામૂલ્યે કાઢી આપીને તેમની શાળા અને કોલેજમાં મોકલી આપ્યાં

ગારિયાધાર તાલુકાના ફાચરિયા ગામે યોજાયેલાં સેવા સેતુ  કાર્યક્રમમાં ગારિયાધાર તાલુકા વહિવટી તંત્ર દ્વારા એક નૂતન પહેલ કરવામાં આવી હતી.

આજે યોજાયેલાં ગ્રામ્ય -શહેરી વિસ્તારોના સેવાસેતુ કાર્યક્રમમાં શાળા કે કોલેજમાં ભણતાં વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ માટે જરૂર પડતાં જાતિના પ્રમાણપત્રો વિનામૂલ્યે કાઢી આપીને તેમની શાળા અને કોલેજમાં રૂબરૂ મોકલી આપવામાં આવ્યાં હતાં.

સામાન્ય રીતે ધોરણ- ૮ , ૧૦ ,૧૨ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષાઓના પરિણામ બાદ નવી શાળા કોલેજોમાં પ્રવેશ મેળવે તે વખતે ઓ.બી.સી., એસ.સી., એસ.ટી. ના જાતિના દાખલાઓની જરૂરિયાત પડતી હોય છે. આવાં સમયે એકબાજુ પ્રવેશની દોડધામ હોય તો બીજી બાજુ જાતિના દાખલા મેળવવાની બાબત વાલી, વિદ્યાર્થીઓને પરેશાન કરતી હોય છે.

આ બાબતને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ અને વાલીઓને મદદરૂપ થવાં માટે ગારિયાધાર તાલુકાના પ્રાથમિક શાળા, હાઇસ્કૂલ ,કૉલેજના આચાર્યશ્રીઓની મિટિંગ રાખવામાં આવી હતી અને તેમને મદદરૂપ થવાં માટે શું થઇ શકે તે માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી.

આખરે ચર્ચા-વિચારણાં કરીને નક્કી કરવામાં આવ્યું કે, વિદ્યાર્થીના ફોટા મેળવી, બોનાફાઈડ સર્ટિફિકેટ કાઢી, લેટર પેડ ઉપર યાદી બનાવી સેવાસેતુમાં રજૂ કરવી. જેથી વિનામૂલ્યે જાતિ પ્રમાણપત્રો કાઢી આપવાં અને ચાલું અભ્યાસ દરમિયાન જ વિદ્યાર્થીઓને શાળા કે કોલેજમાં બેઠાં-બેઠાં જ જાતિ પ્રમાણપત્ર મળી જાય. જેથી કરીને પ્રવેશ વખતે મુશ્કેલી ન પડે.

આજના ગારિયાધાર ખાતે યોજાયેલાં સેવા સેતુ કાર્યક્રમમાં ૫૯ વિદ્યાર્થીઓને શાળામાં જ વિનામૂલ્યે જાતિ પ્રમાણપત્રો મળી ગયાં છે.
આ માટે જે- તે શાળાના શિક્ષકશ્રીઓ  અને આચાર્યશ્રીઓ સારી જહેમત ઉઠાવી હતી. આગેવાનોએ  પણ વહીવટી તંત્રની આ નવી પહેલને આવકારી હતી. રાજ્ય સરકાર હકીકતમાં તેમના દ્વારે નહીં પરંતુ દરેક શાળા અને કોલેજોમાં પણ પહોંચી છે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.
આ નૂતન પહેલને સફળતાં અપાવવાં માટે ગારિયાધાર મામલતદારશ્રી આર.એસ.લાવડિયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી એસ.એમ. પટેલ અને તાલુકાના અધિકારીઓ અને કર્મચારીઓનો સહકાર મળ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *