પાટણ, એ.આર, એબીએનએસ: જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગનાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ હારીજ ખાતે પુરવઠા નિગમ હસ્તક ગોડાઉનની મુલાકાત લઈ પાણી પુરવઠા, સિંચાઈ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક યોજી હતી. ત્યારબાદ સમી સ્થિત પાણી પુરવઠા વિભાગના હેડ વર્કસની મુલાકાત પાણી પુરવઠામંત્રી કુંવરજી બાવળિયા દ્વારા લેવામાં આવી હતી.
આ બેઠકમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જિલ્લા પુરવઠા અધિકારી પાસેથી અનાજ વિતરણ વ્યવસ્થા અને e-kyc અંગેની જાણકારી મેળવી હતી. આ બેઠકમાં સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ તથા ડી.બી.ટી. સહાયમાં પારદર્શિતા લાવવા માટે વહેલી તકે e-kyc પૂર્ણ કરવા જણાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા નિયત કરેલ જથ્થો સમયસર મળી રહે , પુરવઠા વિભાગની યોજનાઓથી કોઈપણ લાભાર્થીઓ વંચિત ના રહી જાય તે અંગેની તાકીદ કરી હતી.
વધુમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ હારીજ ગામના પીવાનાં પાણીનાં પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. પાણી પુરવઠા અન્વયે જિલ્લામાં ચાલી રહેલાં પ્રગતિ હેઠળના કામો વહેલી તકે પૂર્ણ કરવા સૂચના આપી હતી. મંત્રીએ ગામની વસ્તીને ધ્યાનમાં રાખીને પીવાના પાણીની નિશ્ચિત વ્યવસ્થા માટે સંબધિત અધિકારીઓને સૂચન કરવામાં આવ્યા હતા. તેમણે જિલ્લાના પીવાના પાણી અંગે આગોતરું આયોજન હાથ ધરવા જણાવ્યું હતું. ઉપરાંત ભૂતિયા કનેક્શન પકડવવા માટે વહીવટી તંત્રને તાકીદ કરી હતી.
આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, સંગઠનના સદસ્ય રમેશ સીંધવ, ડો દશરથજી ઠાકોર, પુરવઠા તેમજ પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગ સહિતના સંબંધિત વિભાગનાં અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.