પંચમહાલ, વી.આર, એબીએનએસ: પંચમહાલના જિલ્લા કલેક્ટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાભરમાં માર્ગ સુધારણા અને રીપેરીંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
જેનો મુખ્ય ઉદ્દેશ્ય વરસાદના પરિણામે ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની કામગીરી પૂર્ણ કરી નાગરિકોને સુરક્ષિત રસ્તાઓ પૂરા પાડવાનો છે. જિલ્લા કલેક્ટરએ માર્ગ મરામત કામગીરી પર સતત નજર રાખી છે અને સમયસર કામ પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા છે.
જે અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના અગત્યના માર્ગો પૈકી ટૂવા-મહલોલ-વેજલપુર રોડ અને સંતરોડ–સંતરામપુર રોડ તથા બોડેલી-હાલોલ-ગોધરા રોડ પર પેચવર્કની કામગીરી કરવામાં આવી છે. આ માર્ગોનું સમારકામ થતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોને અવરજવરમાં ઘણી રાહત મળી છે.
વધુમાં અત્યાર સુધીમાં જિલ્લાના માર્ગો પર મહત્તમ પોટહોલ્સને મેટલ અને ડામર ભરીને પેચવર્ક કરવામાં આવ્યુ છે તેમજ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની પેચવર્ક કામગીરી પણ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. જેમાં રસ્તા પરના ખાડાઓ મેટલ પેચવર્ક અને ડામર પેચવર્કથી ભરવાની કામગીરી અને જરૂરિયાત મુજબ નવા ડામર પાથરવાની કામગીરી કરવામાં આવી રહી છે.