ઘણાં વર્ષોની આતુરતાનો અંત
આવ્યો છે.. પ્રભુ શ્રી રામ પોતાના મૂળ સ્થાને વિરાજમાન થયા છે..
ન માત્ર ભારતવર્ષ, સમગ્ર વિશ્વ રામમય બન્યું ત્યારે પ્રભુ શ્રી રામની હાજરી અવશ્ય હોય જ..
જો પ્રભુ રામ આપણને પસંદ હોય, તેમને માનતા હોય તો તેમણે આપેલ સંદેશ પણ આપણા જીવનમાં લાવવો પડે. તેમણે આપેલ આદર્શ મુજબ શ્રેષ્ઠ કુટુંબ ભાવ આપણાં પરિવારમાં હોવો જોઈએ…
રામયનમાંથી પ્રેરણા લઈને પિતૃ આજ્ઞાનું મહત્વ પરિવારમાં હોવું જોઈએ. સામે પિતાની પણ ફરજ છે કે સર્વે સંતાનોમાં સમાનતા રાખે અને જ્યારે તે સમાનતા ન રાખે ત્યારે કુટુંબમાં ભાઈઓ-ભાઈઓ વચ્ચે અંતર થાય છે.. જે પેઢી દર પેઢી આગળ વધે છે…
પિતાની આજ્ઞા મળતી હોય અને સંતાનોના હિતમાં હોય ત્યારે અવશ્ય પાલન થવું જોઈએ. જે તે સમય માટે કદાચ સંતાનો ને તે પિતૃ આજ્ઞા યોગ્ય ન લાગે, પણ તે અજ્ઞામાં તેમના અનુભવનો નિચોડ, પરિવારનું હિત અને દૂરંદેશીતા હોય છે, અને આખરે તો સંતાનોના જ હિતમાં હોય છે. એવા ઘણાં દાખલા છે પિતાની આજ્ઞા પાલન નહિ કરવાથી પતનની દિશામાં સંતાનો ગયા હોય..
ઘણી દીકરીઓ વીસ વર્ષના પિતાના ઉછેર,પાલન,પોષણ અને પ્રેમને ભૂલીને વીસ દિવસના કહેવાતા પ્રેમી માટે પિતા અને પરિવારને પણ તરછોડી દે છે, છેવટે તો તે જિંદગીમાં પાછળથી ખૂબ જ પછતાવો કરતી હોય છે,પરંતુ એમને ત્યાંથી પાછા વળવું પણ મુશ્કેલ હોય છે..આવા ઘણાં દાખલાઓ આપણી સમક્ષ હાજર છે..
રામના જીવનમાંથી ભાઈઓ ભાઈઓ વચ્ચેનો પ્રેમ પણ સૌ માટે આદર્શ છે… આજે જમીનના માત્ર ટુકડા માટે પણ ભાઈઓ વચ્ચે તકરાર થતી હોય છે, ઝઘડાઓ થતા હોય છે, કોર્ટ કચેરીના ધક્કા ખાતા હોય છે, અને કહેતા ફરતાં હોય છે કે હું તો નહીં જ નમું, પણ સાચું તો એ હોય છે કે પોતાની માના જણ્યા ભાઈ સાથે નમતું નહિ મુકનાર ન જાણે કોર્ટ-કચેરીના કામે કેટકેટલીયે જગ્યાએ નમતું મુકતો થઈ જાય છે..
માતા સીતા માટે પ્રભુ શ્રી રામનો પ્રેમ અને પોતાની પતિ તરીકેની ફરજ તેમને લંકાપતિ રાવણ સામે પણ યુદ્ધ કરવા પ્રેરે છે.. આપણે સૌ એ પત્ની માટે સામાન્ય ફરજો બજાવવી જોઈએ તેનું સન્માન કરવુ જોઈએ, ઘણી વાર ઘરમાં વારંવાર નાની નાની બાબતોમાં થતાં ઝઘડાઓ મોટું સ્વરૂપ ધારણ કરી શકે, ઘરની વાતો અન્ય જગ્યાએ કરવા પ્રેરાય શકે, શંકા-કુશંકાઓ થતી જોવા મળે, અન્ય જગાએ/વ્યક્તિ તરફ વળવા પ્રેરાય શકે, આત્મહત્યા કરવા પ્રેરાય શકે છે..
આ બધાથી જો તમારે બચવું હોય તો ઘરમાં પતિ-પત્નીએ પરસ્પર વિશ્વાસ અને સન્માન પૂર્વક રહેવું પડે છે કારણકે બન્ને માંથી કોઈને પણ નુકસાનનો બોજ આખરે બન્ને ને જ ભોગવવો પડતો હોય છે…
માતા ઉર્મિલાનું પાત્ર રામાયણનું આપણે પૂરું સમજ્યા નથી, પોતાના પતિનો ભાતૃપ્રેમ એ બરાબર સમજી શક્યા અને એ માટે એણે પતિનો લાંબો વિરહ પણ સહન કર્યો…
આપણા સામાન્ય જીવનમાં ઘણી સ્ત્રીઓ પોતાના પતિના માતૃપ્રેમને કે ભાતૃપ્રેમને નડતર રૂપ માને છે અને એ દૂર કરવા પ્રયત્ન કરતી હોય છે, તથા પતિના માતૃપ્રેમને માવડીયો કહીને પણ પોતાના સંસારમાં થોડી પણ મુશ્કેલી ઉભી કરે છે.. કારણ કે એ જ બાબતે ઘરમાં નાની નાની વાતોમાં પણ કલેહ થતો રહે છે…જે દામ્પત્યજીવન માટે ઘાતક નીવડી શકે છે…
આવું તો રામાયણના ઘણાં પાત્રો આપણને આદર્શ પૂરો પાડે છે જેના થકી આપણે શીખ લેવી જોઈએ.. માત્ર રામ રામ કરવાથી કે રામયણ વાંચવાથી અથવા સાંભળવાથી જ રામાયણનો સંપૂર્ણ લાભ મળી જતો નથી…
સૌના જીવનમાં રામાયણના આદર્શ રૂપ પરિવારનું નિર્માણ થાય સૌ સુખી રહો સૌનું જીવન રામમય બની રહે તો જ સાચા અર્થમાં આપણાં માટે રામરાજ્ય આવી શકે.
આર.જે.રામના સૌ ને જય શ્રી રામ