જામનગર, સંજીવ રાજપૂત: એક મહિલા જામનગરના બેડેશ્વર વિસ્તારમાં ત્રણેક કલાકથી બેઠેલા હોવાનું તથા તેઓ માનસિક તથા શારીરિક રીતે અસ્વસ્થ હોવાનું એક જાગૃત નાગરિકના ધ્યાને આવતાં તેઓએ આ અંગેની જાણ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનને કરેલ.
૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા આ મહિલાની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી આ મહિલાને જામનગરના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લઇ આવવામાં આવેલ.
૧૮૧ની ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કરતાં જણાયું કે આ મહિલા ભૂલા પડી ગયેલ છે અને અન્ય કોઈપણ પ્રકારનો પ્રતિસાદ આપી શકતા નથી.તેઓ તેમનું નામ, સરનામું પણ જાણતા ન હોવાથી તેઓને આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે રાખવામાં આવેલ.
સેન્ટરના કર્મચારીઓને વાતચીત દરમિયાન જણાયું કે આ મહિલા બહેરાશ ધરાવે છે અને વાત સાંભળી શકતા નથી.તેથી મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં પણ ખૂબ જ મુશ્કેલી ઉભી થઇ હતી. મહિલા પોતાની સમસ્યા વર્ણવતા હતા તે દરમિયાન જાણવા મળેલ કે મહિલા મૂળ રાજકોટના વતની છે
અને તેમની શારીરિક તથા માનસિક સ્થિતિ સારી નથી તેથી સેન્ટરના કર્મચારીઓ દ્વારા મહિલાને માનસિક સાંત્વના આપવામાં આવેલ તેમજ મહિલાને સેન્ટરના યોગ્ય વાતાવરણમાં ઢાળવામાં આવેલ.તથા તેમની પાસેથી એક પાકીટ મળેલ જેમાં તેમનું આધારકાર્ડ અને એક ડાયરી મળી આવેલ જેમાં તેમના પુત્રના ફોન નંબર મળી આવેલ તેથી તેમના પુત્રને ફોન કરી જણાવેલ કે તેમના માતા અહી જામનગર મુકામે મળી આવેલ છે.
“સખી” વન સ્ટોપ સેન્ટરના કેસવર્કર ચાંચીયા પુજા અને સેનીયર દિવ્યા દ્વારા મહિલાને સહાનુભૂતિ અને હુંફ આપવામાં આવેલ તેમજ મહિલાને સેન્ટર દ્વારા વિશ્વાસ અપાવેલ કે તેઓનું તેમના પરિવાર સાથે પુન:મિલન કરાવાશે.
- ત્યારબાદ મહિલાના પરિવારજનો મહિલાને લેવા સેન્ટર પર આવ્યા અને પરિવારજનો સાથે જરૂરી વાતચીત અને તપાસ કરી ગણતરીની કલાકોમાં જ તેના પરિવાર સાથે મહિલાનું પુનઃમિલન કરાવવામાં આવ્યુ.આ તકે પરિવારના વિખુટા પડી ગયેલ સભ્ય સહી સલામત મળી આવતા પરિવારજનોએ પણ જામનગર “સખી” વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક હેતલ અમેથીયા તેમજ તમામ કર્મચારીઓનો હદયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો.