ગાંધીનગર, સંજીવ રાજપૂત: નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સ્થાયી પરામર્શ સમિતિની બેઠક ગાંધીનગરમાં મળી હતી. ધારાસભ્યઓ સાથેની આ પરામર્શ બેઠકમાં મંત્રી કનુભાઈએ જણાવ્યું હતું કે, સમયાંતરે યોજાતી સ્થાયી પરામર્શ સમિતિની બેઠકના પરિણામે પડતર પ્રશ્નોનો સત્વરે નિકાલ આવે છે.
ગત બેઠક દરમિયાન ધારાસભ્યઓ દ્વારા રજૂ કરવામાં આવેલા મોટાભાગના પ્રશ્નોનો સુયોગ્ય નિકાલ આવ્યો છે. સાથે જ બેઠકમાં ઉપસ્થિત રહેતા ધારાસભ્યઓના સૂચનોથી પ્રજાની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સરળતા રહે છે.
મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં વિવિધ કારણોસર વીજળી ખોરવાય તેવા પ્રસંગો આવે છે. આવા પ્રસંગોએ વીજળી પુન:કાર્યરત થઇ શકે તે માટે રાજ્ય સરકાર આકસ્મિક સેવા પણ ટૂંક સમયમાં શરુ કરશે.
જે રીતે હેલ્થ ઈમરન્સી સમયે લોકો ૧૦૮ નંબરથી એમ્બ્યુલન્સ આવે છે, તેવી જ રીતે ટોલ ફ્રી નંબરથી વીજળી પુન:કાર્યરત કરવા પણ ટીમ ઘટના સ્થળે પહોંચશે. આ અદ્યતન મોડલ અત્યારે તૈયાર થઇ રહ્યું છે. આ ઉપરાંત રાજ્યના નાગરીકો પોતાના વીજ પ્રશ્નો પણ ખુબ જ સરળતાથી ઓનલાઈન રજીસ્ટર કરી શકશે.
મંત્રીએ બિપોરજોય વાવાઝોડા સમયે ઊર્જા વિભાગ દ્વારા કરાયેલી કામગીરીની સરાહના કરતા કહ્યું હતુ કે, રાજ્ય પર આવેલા બિપોરજોય વાવાઝોડા દરમિયાન અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. પરંતુ રાજ્ય સરકારના ઊર્જા વિભાગની ટીમો દ્વારા માત્ર ૭૨ કલાકના રેકોર્ડ બ્રેક સમયમાં સમગ્ર રાજ્યમાં વીજ પુરવઠો પુન:કાર્યરત કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તે સમયે દરિયાકાંઠાના વિસ્તારમાં અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ કરવા સૂચન આપ્યું હતું, જેથી આગામી સમયમાં વાવાઝોડા દરમિયાન વીજ પુરવઠો ખોરવાય નહિ. જેની કામગીરી પણ કેન્દ્ર સરકારની સહાયથી શરુ થઇ ગઈ છે અને ટૂંક સમયમાં જ આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
આ બેઠકમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ, ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજી, માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ¸ ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ, કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને સોમનાથના ધારાસભ્ય શ્રી વિમલ ચુડાસમા દ્વારા વીજ પોલ, ખેડૂતોના વળતર, નવા સબ-સ્ટેશન કાર્યરત કરવા, અન્ડરલાઈન કેબલ લાઈન, વીજ ચોરી, સ્માર્ટ મીટર, જ્યોતિ ગ્રામ યોજના, ખેડૂતોને અપાતા વીજ કનેક્શન સહિત GIDCમાં વીજ પુરવઠો પૂરો પાડવા સહિતના વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
બેઠક દરમિયાન ધારાસભ્યઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોને હકારાત્મક વાચા આપતા ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ તમામ પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. સાથે જ મંત્રીએ ગામતળ સિવાય છૂટા-છવાયે વસતા લોકોને વીજ પુરવઠો પૂરો પાડવા માટે વિચાર-વિમર્શ કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ, નાણાં વિભાગના સચિવો, ગુજરાત ગેસ પેટ્રોલીયમ કોર્પોરેશનના મેનેજીંગ ડીરેક્ટર, ગુજરાત ઊર્જા વિકાસ નિગમના મેનેજીંગ ડીરેકટર, જીએસટી કમિશનર, નાણા વિભાગના અધિક સચિવશ્રી, UGVCL, PGVCL, DGVCL, MGVCL અને GETCOના મેનેજીંગ ડીરેક્ટર, નાણાં અને ઊર્જા વિભાગના નાયબ સચિવો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.