ભુજ, સંજીવ રાજપૂત:: કચ્છના જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે કચ્છ જિલ્લાના પ્રભારીમંત્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ જિલ્લાના પદાધિકારીઓ અને વહીવટીતંત્ર સાથે તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. જિલ્લા કલેક્ટ અમિત અરોરાએ જિલ્લા સમગ્રતયા પરિસ્થિતિનો ખ્યાલ પ્રભારીમંત્રીને આપ્યો હતો.
પ્રભારીમંત્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ અને રાહત બચાવની કામગીરી અંગે પ્રાંત અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કરીને પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો. તેઓએ વરસાદના લીધે તૂટેલા રોડ રસ્તાઓ યુદ્ધના ધોરણે રિપેર કરવા, જરૂરિયાત મુજબ સ્થળાંતર કરવા, વીજ પુરવઠાનું સ્થાપન કરવા, ફૂડ પેકેટ તૈયાર કરવા, પાણી વિતરણ વ્યવસ્થા જાળવી, આરોગ્ય સુવિધાઓ અને વરસાદ બાદ યોગ્ય સાફ સફાઈ, જાહેર પરિવહન સેવા શરૂ કરવા સહિતની સૂચનાઓ આપી હતી.
પ્રભારીમંત્રીએ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા કચ્છ જિલ્લા વહીવટીતંત્રને એલર્ટ રહેવા સૂચના આપી હતી.
આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા સતત પરિસ્થિતિનું મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે અને તમામ મદદની આપવામાં આવી છે તેમ પ્રભારીમંત્રીએ ઉમેર્યું હતું. માંડવી, મુન્દ્રા, લખપત અને અબડાસા વિસ્તારોમાં હજીપણ ભારે વરસાદની આગાહી હોય વહીવટીતંત્રને પૂર્વ તૈયારી કરવા સૂચનાઓ આપીને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
જનજીવન સામાન્ય બને અને નાગરિકોને કોઈ મુશ્કેલી પડે નહીં એવું આયોજન કરવા સંબંધિત અધિકારીઓને પ્રભારીમંત્રીએ તાકીદ કરી હતી. જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અને મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિક નિયમન કરવા પ્રભારીમંત્રીએ પોલીસ અધિક્ષકને સૂચના આપી હતી.
કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા અને કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાએ કચ્છ જિલ્લાની કનેક્ટિવિટી રાજ્ય સાથે જોડાયેલી રહે એ બાબત ઉપર ભાર મૂકીને કામગીરી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં પ્રભારી મંત્રીની સમક્ષ ધારાસભ્ય સર્વશ્રી કેશુભાઈ પટેલ, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, ત્રિકમભાઈ છાંગા, શ્રીમતિ માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજાએ વિસ્તારવાઈઝ સતત પડી રહેલા વરસાદના લીધે ઉદ્ભવેલા પ્રશ્નોની રજૂઆત કરી હતી. અગ્રણી દેવજીભાઈ વરચંદે ભુજ શહેરમાં વરસાદ બાદ રોગચાળો ફેલાય નહીં તે માટે આગોતરું આયોજન કરવા રજૂઆત કરી હતી.
આ બેઠકમાં પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ, ભુજ પ્રાંત અધિકારી ડૉ.અનિલ જાદવ, માર્ગ અને મકાન વિભાગ રાજ્યના અધિક્ષક ઇજનેર વી.એન.વાઘેલા, જિલ્લા પુરવઠા અધિકારી અર્શી હાશ્મી સહિત જિલ્લાના વહીવટીતંત્ર ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.