એબીએનએસ, જામનગર: જામનગરના જે.એમ.સી. ગ્રાઉન્ડ, મહાવીર પાર્ક, ઓસવાળ-3 ખાતે ગુજરાત સરકાર દ્વારા રાજ્ય કક્ષાના સરસ મેળાનું આયોજન કરાયું છે.
જ્યાં સમગ્ર રાજ્યના 33 જિલ્લાના 100 થી વધુ કારીગર બહેનો વિવિધ 50 સ્ટોલ્સના માધ્યમથી પોતાના ઉત્પાદનોનું વેંચાણ કરી રહ્યા છે.આ સરસ મેળામાં જામનગર તથા આસપાસના વિસ્તારોના નાગરિકો બહોળી સંખ્યમાં દિવાળીની ખરીદી કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલના મંત્રને ચરિતાર્થ કરવાની સાથે આ પ્રકારના ઉમદા આયોજન બદલ રાજ્ય સરકારનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે.
આગામી તા.28 ઓક્ટોબર સુધી ચાલનારા આ સરસ મેળામાં સમગ્ર રાજ્યના સખી મંડળના બહેનો દ્વારા હેન્ડલુમ, હેન્ડીક્રાફટ, ફુડ પ્રોડક્ટ, ગૃહ સુશોભન, વણાટ કામની વસ્તુઓ, ઝૂલા, ડ્રેસ મટીરીયલ, સાડી, બાંધણીના દુપટ્ટા, નાઈટ લેમ્પ, દોરીવર્કની બનાવટ, સિઝનેબલ મસાલા અને અથાણા, ઓર્ગેનીક સરબતો જેવી વિવિધ ચીજ વસ્તુઓનું સીધુ જ વેચાણ કરવામાં આવી રહ્યું છે.
દિવાળીની ખરીદી કરવા આવેલ જામનગર જિલ્લાના વસઈ ગામના રહેવાસી જેસલબેન રબારી આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવે છે કે આજે મેં જામનગર ખાતે રાજ્ય સરકાર દ્વારા આયોજિત સરસ મેળાની મુલાકાત લીધી હતી.
જ્યાં વિવિધ સ્ટોલના માધ્યમથી દિવાળી તથા સુશોભનને લગતી અવનવી તમામ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી ભાવે એક જ સ્થળેથી ખરીદવાનો અમને અવસર મળ્યો છે.હેન્ડક્રાફ્ટના ખૂબ જ કલાત્મક ઉત્પાદનો અહીં જોવા મળે છે કે જે ખરીદવા હોય તો ખૂબ જ દૂર સુધી જવું પડે.રાજ્ય સરકારે એક જ પ્લેટફોર્મ પર આખા રાજ્યના ઉત્પાદનો લાવી સ્થાનિક કારીગરો બહેનો અને ખરીદી કરનાર નાગરિકો માટે કડીરૂપ બનવાનું મહત્વનું કાર્ય કર્યું છે.
રાજ્યના 33 જિલ્લાઓની સુવિખ્યાત વસ્તુઓ અહીં આપણે એક જ સ્થળેથી ખરીદી શકીએ છીએ તેમ જણાવી જામનગર તથા આજુબાજુના જિલ્લાના સૌ નાગરિકોને એકવાર આ સરસ મેળાની મુલાકાત લેવા તેમજ અચૂક અહીંથી ખરીદી કરવા જેસલબેન રબારીએ અપીલ કરી છે.