કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સખી વન સ્ટોપ સેન્ટર એવુ સેન્ટર છે કે જે ૨૪ કલાક મહિલાઓની સમસ્યાઓના સમાધાન માટે કાર્યરત રહે છે. સખી વન સ્ટોપ સેન્ટર ભારત સરકારનું સેવા અર્થે પુરસ્કૃત સેન્ટર છે. આ સેન્ટરમાં મહિલાઓને એક જ છત નીચે પાંચ પ્રકારની સહાય આપવામાં આવે છે. જેમાં આશ્રય, કાઉન્સેલિંગ,તબીબી,પોલીસ અને કાનુની સહાય મહિલાઓને અપાય છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સખી વન સ્ટોપ સેન્ટરમાં તા.૦૪ ઓગસ્ટ ૨૦૨૨ અને ૧૧ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ મહિલા હેલ્પલાઇન ૧૮૧ દ્વારા રાજસ્થાનની માનસિક બીમાર બે અજાણી મહિલાને આશ્રય આપવામાં આવ્યો હતો. અજાણી માનસીક બિમાર બન્ને મહિલાઓની સારવાર બાદ કાઉન્સેલીંગ કરતા બન્ને મહિલાઓને આપેલી માહિતી પરથી તેઓ રાજસ્થાન રાજ્યના વતની છે તેમ જાણવા મળ્યું હતુ.
વધુ માહિતી મળતા જાણવા મળ્યુ કે ભાવનાબેન(નામ બદલેલ છે) રાજસ્થાનના બાસવાડા જિલ્લાના સજનગઠ તાલુકા નજીકના ગામના વતની છે. જ્યારે મંજુલાબેન(નામ બદલેલ છે) રાજસ્થાનના ડુંગરપુર જીલ્લાના વતની છે. બન્ને મહિલાઓની માહિતી મળતા રાજસ્થાન રાજયના બાસવાડા અને ડુંગરપુર પોલીસ સ્ટેશનમાં માહિતી મોકલી આપવામાં આવી હતી. પોલીસ દ્વારા આપેલ સરનામા ઉપર શોધ કરતા બન્ને મહિલાઓના પરીવારની જાણકારી મળી હતી.પરીવાર સાથે વાતચીત કરતા જાણવા મળ્યુ કે બે માસ પહેલા બન્ને મહિલાઓની માનસિક સ્થિતી સારી ન હોઇ તેઓ કોઇ પણને જાણ કર્યા વિના ઘરેથી નિકળી ગયા હતા.
બન્ને મહિલાઓના પરીવારની આર્થિક સ્થિતી સારી ન હોઇ તેઓ રાજસ્થાન થી ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવી શકે તેમ ન હતા. તેવા સંજોગોમાં હિંમતનગર શહેરના સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફ અને પોલીસ સુરક્ષા સાથે બન્ને બહેનોને ૧૬ ઑગસ્ટ ૨૦૨૨ ના રોજ રાજસ્થાન રાજ્યના પોત પોતાના વતનમાં સુરક્ષા અને સલામતી સાથે પહોંચાડવામાં આવ્યા હતા. બન્ને મહિલાઓનું પરીવાર સાથે મિલન થતા પરીવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બન્ને મહિલાઓને સ્વસ્થ અને સલામત જોઇ પરીવારે સખી વન સ્ટોપ સેન્ટર અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.