આણંદ રેલ્વે પોલીસના કર્મચારીઓ માટે અંદાજિત રૂપિયા ૬ કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાસભર ૪૦ આવાસોનું કરાયું નિર્માણ
આણંદ, ગુરુવાર :: આણંદ શહેરના ગામડી વિસ્તારમાં પાધરીયા પ્રેસ રોડ પર આવેલી આણંદ રેલ્વે પોલીસ લાઇન ખાતે નિર્માણ પામેલ બી કક્ષાના ૪૦ પોલીસ આવાસોનું ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ તકતીનું અનાવરણ કરી આવાસોનું લોકાર્પણ કર્યું હતુ. તેમણે કર્મચારીઓને ફાળવવામાં આવેલ આવાસો પૈકી ૧૦ કર્મચારીઓને પ્રતિકરૂપે મંચ પરથી મકાનની ચાવી અર્પણ કરી હતી.
આ લોકાર્પણ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, ગુજરાત રેલ્વેના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષિતા રાઠોડ, પશ્ચિમ રેલ્વે, વડોદરાના પોલીસ અધિક્ષક શ્રી સરોજ કુમારી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રવીણ કુમાર, ધારાસભ્ય સર્વશ્રીઓ શ્રી યોગેશભાઈ પટેલ, શ્રી વિપુલભાઈ પટેલ, શ્રી ગોવિંદભાઈ પરમાર, અગ્રણીશ્રી રાજેશભાઇ પટેલ, રેલ્વે પોલીસ-ગુજરાત પોલીસના અધિકારી-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે, ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા આણંદ રેલ્વે પોલીસ સ્ટેશનના કર્મચારીઓ માટે અંદાજિત રૂપિયા ૬.૦૭ કરોડના ખર્ચે બી કક્ષાના ૪૦ પોલીસ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ આવાસના મકાનમાં ૨ રૂમ, હોલ, કિચન, ફર્નિચર ઉપરાંત બિલ્ડિંગમાં લિફ્ટ, ફાયર સેફ્ટી, પાર્કિંગ, જનરેટર, બાળકો માટે રમત ગમતના સાધનો, બગીચો, ગેસ કનેક્શન જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે.
રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ