કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ, ખેરન્ચા પરિસરમાં તારીખ 05 જાન્યુઆરી 2023ને ગુરુવારના રોજ સવારથી તારીખ 12 જાન્યુઆરી 2023ને ગુરુવાર સાયં 4.00 વાગ્યા સુધી સ્પોર્ટ્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
તેમાં વિદ્યાલયમાં ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓમાં 6 હાઉસ વચ્ચે કબડ્ડી,ખો-ખો, વોલીબોલ, હેન્ડબોલ, ફૂટબોલ, રસ્સાખેંચ જેવી સ્પર્ધાઓ નિયમો સહિત ફાઇનલ મેચ રમાડીને વિજેતા ખેલાડીઓ અને ટીમોને પુરસ્કાર વિતરણ પણ કરવામાં આવ્યું. આજનો દિનવિશેષ એટલે ‘રાષ્ટ્રીય યુવા દિવસ’. યુગ દ્રષ્ટા સ્વામી વિવેકાનંદનજીની જન્મ જયંતી.
સ્પીર્ટ્સ કેમ્પના દિક્ષાન્ત સમારોહમાં ધનસુરા તાલુકાના દોલપુર કંપાના નામદાર કિસાન શ્રી મહેન્દ્રભાઈ પટેલ (જેઓ બટાટાની ખેતીમાં દૈનિક ઉત્પાદનમાં એશિયામાં પ્રથમ અને અરવલ્લી જિલ્લામાં હંમેશાં અગ્રેસર.) ઉપસ્થિત રહયા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં દેશભક્તિ સમુહગીત કરવામાં આવ્યું. ત્યારબાદ મંચસ્થ મહેમાનોનો પરિચય અને સ્વાગત કરવામાં આવ્યું. આજના રાષ્ટ્રીય યુવા દિન વિશેની માહિતી આપી સ્પોર્ટ્સ કેમ્પની ગતિવિધિ જણાવવામાં આવી. કેડેટોએ ખૂબ ઉત્સાહથી ભાગ લઈ કેમ્પને સફળ બનાવ્યો હતો.
રમત વિજેતાઓને મહેમાનશ્રીના વરદ હસ્તે ટ્રોફી, મેડલ અને સર્ટીફિકેટ અર્પણ કરવામાં આવ્યાં. શાળાના મેનેજર સંજય વશિષ્ઠજીએ વિદ્યાર્થીઓને સ્વામીજીના જીવનનો એક પ્રેરક પ્રસંગ જણાવી નીડર બનવાનો સંદેશ પાઠવ્યો હતો.
પ્રિન્સિપાલ હાર્દિક જોશી સાહેબે અભ્યાસ અને ખેલ બન્ને એકબીજાના પૂરક જણાવીને જીવનમાં બન્નેનું આગવું સ્થાન ઉદાહરણ સાથે સમજાવી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમના મુખ્ય અતિથિ મહેન્દ્રભાઈ પટેલે પોતાની હળવી શૈલીમાં વિદ્યાર્થીઓને ગળે ઉતરી જાય તેવા સ્વામીજીના જીવન પ્રસંગોને વણી લઈને પ્રેરક ઉદબોધન આપ્યું હતું. આજના કાર્યક્રમના અંતે મોટાભાગના વિદ્યાર્થીઓએ ઈનામો જીતીને ટ્રોફી ,મેડલ અને સર્ટી મેળવ્યાં હતાં.
સૌ શિક્ષકમિત્રોએ દરેક ખેલાડીઓને અભિનંદન પાઠવ્યાં હતાં. પ્રથમ સ્થાન મેળવનાર દરેક ટીમની સમૂહ ફોટોગ્રાફી કરવામાં આવી. શાળાના ગુજરાતી વિષય શિક્ષક વિષ્ણુભાઈ પટેલે ભાવ સભર આભાર દર્શન કર્યું હતું. આ ભવ્ય દિવ્ય કાર્યક્રમનું સફળ સંચાલન શૈલેષભાઈ સોલંકીએ કર્યું હતું. અંતે સૌ ખુશ ખુશાલ થઈને પોતાના આગામી કાર્યક્રમમાં જોડાયા હતા.