અંબાજી મંદિરના ચાચર ચોકમાં ગરબા રમવામાં તકલીફ ન પડે તે માટે આગામી સમયમાં ચાચર ચોકને મોટો કરાશેઃ– મંત્રીશ્રી મુકેશ પટેલ
શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે વન અને પર્યાવરણ તથા જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્ય મંત્રીશ્રી મુકેશ પટેલે નવરાત્રિ પવિત્ર પર્વના ચોથા નોરતે સહપરિવાર માતાજીના દર્શન કરી મંદિરના ચાચર ચોકમાં માતાજીની મહાઆરતીમાં જોડાઇ આરતી કરી હતી. ત્યારબાદ મંત્રીશ્રીનું નવ યુવક પ્રગતિ મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ.
કરોડો શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્રબિંદુ અંબાજી મંદિર ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠ દેશના 51 શક્તિપીઠોમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે.
આ પ્રસંગે મંત્રીશ્રી મુકેશ પટેલે જણાવ્યું કે, આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઐતિહાસિક સ્થળો અને અંબાજી, ગબ્બર, પાવાગઢના મંદિરોનો જીર્ણોદ્વાર કરાવ્યો છે. ૫૩૬ વર્ષ પછી પાવાગઢના મંદિરો પર પહેલીવાર ધજા લહેરાવાઇ છે.
અંબાજી મંદિરના ચાચર ચોકમાં ગરબા રમવામાં લોકોને તકલીફ ન પડે તે માટે આગામી સમયમાં ચાચર ચોકને મોટો કરાશે. દેશના અન્ય શક્તિપીઠોનો વિકાસ થયો છે એ જ પ્રમાણે આગામી સમયમાં અંબાજીનો ઝડપથી વિકાસ થાય એ દિશામાં સરકારે કામ શરૂ કર્યુ હોવાનું તેમણે જણાવ્યું હતું. માતાજીમાં અતૂટ શ્રધ્ધા ધરાવતા મંત્રીશ્રી મુકેશ પટેલ દરેક નવરાત્રિમાં અંબાજી દર્શનાર્થે આવે છે.
અંબાજી મંદિરના ચાચર ચોકમાં મહાઆરતીમાં મંત્રીશ્રી સાથે મોટી સંખ્યામાં માઇભક્તો જોડાયા હતા. મહાઆરતી બાદ ગરબાની રમઝટ શરૂ થઇ હતી.
મંત્રીશ્રીની સાથે ધારાસભ્યશ્રી સરદારભાઈ ચૌધરી અને સંગઠનના અગ્રણીશ્રી જયરાજસિંહ પરમારે પણ માતાજીના દર્શન કર્યા હતા. આ પ્રસંગે નાયબ વન સંરક્ષકશ્રી અભયકુમારસિંઘ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી કે. કે. ચૌધરી સહિત વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રીશ્રી મુકેશ પટેલે સવારે મંગળા આરતીમા જોડાઇને મંદિરના શિખર ઉપર ધજા અર્પણ કરી
ગઇકાલે અંબાજી પધારેલા મંત્રીશ્રી મુકેશ પટેલે આજે વહેલી સવારે સહપરિવાર અંબાજી મંદિરમાં મંગળા આરતીમાં જોડાયા હતા. ત્યારબાદ માતાજીના શિખર પર ધજા અર્પણ કરી હતી.
આજે પાંચમું નોરતું હોઇ અંબાજી મંદિરમાં વહેલી સવારે મંગળા આરતી કરવામા આવી હતી અને ત્યારબાદ જવેરા આરતી કરવામા આવી હતી. મંગળા આરતીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી