અંબાજી, સંજીવ રાજપૂત: ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજી ખાતે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે એ વેચાણકર્તાઓની સુખ અને સુવિધા માટે ખાસ આયોજન કર્યું છે. અંબાજી ખાતે વેચાણકર્તાઓને મુશ્કેલી ન પડે તેમજ પદયાત્રિકો અને યાત્રાળુઓની સુખ અને સુવિધા જળવાઇ રહે તે માટે તંત્ર દ્વારા આ વખતે મેળાના બ્રાન્ડીંગ પર વિશેષ ભાર મુકાયો છે. જેને પગલે મેળામાં જાહેર હરાજીના પ્લોટની એક સરખી ડિઝાઇન તેમજ ખાસ કલર કોડ સાથે ખાસ આયોજન કર્યું છે જે એક સરખા પ્લોટો મેળામાં દરેક યાત્રાળુઓ માટે આર્કષણનું કેન્દ્ર બન્યા છે.
દાંતા- અંબાજી રોડ અને હડાદ- અંબાજી રોડ પર જાહેર હરાજીના એક સરખા પ્લોટનું વેચાણ કરાયું છે. જેમાં 231 પ્લોટનું વેચાણ કરાયું છે. આ પ્લોટમાં લાલ કલરના પ્લોટ પ્રસાદના, લીલા કલરના ફુડના, પીળા કલરના રમકડાં અને નોવેલ્ટીના તેમજ વાદળી કલરના વિવિધ વિભાગોના પ્લોટ રાખવામાં આવેલ છે.
યાત્રાધામ અંબાજી ખાતે યાત્રાળુઓની સુવિધા માટે તંત્ર કટિબધ્ધ બન્યુ છે ત્યારે અંબાજી ખાતે વેચાણકર્તા અને યાત્રિકોની સુવિધા માટે આયોજન કરેલ પ્લોટથી આજે રોજગારીના સર્જન સાથે મેળામાં યાત્રિકોને નાવીન્ય જોવા મળ્યું છે.