સરથાણા ખાતે યોજાયેલા સ્નેહમિલન સમારોહમાં સોસાયટીના પ્રમુખો, આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા
સોસાયટીના પ્રમુખો અને આગેવાનોનું અભિવાદન કરી નૂતન વર્ષે પરસ્પર સહકારની ભાવના સાથે આગળ વધવા આરોગ્ય મંત્રીની અપીલ
કામરેજ વિસ્તારમાં ૨૮૦૦ બેડની આધુનિક હોસ્પિટલ અને અત્યાધુનિક સાયન્સ ટેકનોલોજી કોલેજનું નિર્માણ થશે : આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયા
કાર્યકર્તાઓ- નાગરિકોને સામાજિક જવાબદારીના ભાગરૂપે ‘અંગદાન મહાદાન’ના શપથ ગ્રહણ કર્યા
સુરત:સોમવાર: દિવાળીના પર્વ અને નૂતનવર્ષના પ્રારંભ નિમિત્તે રાજ્યની તમામ ૧૮૨ વિધાનસભા બેઠકો પર યોજાયેલા ભારતીય જનતા પાર્ટીના સ્નેહમિલન કાર્યક્રમ અંતર્ગત કામરેજ વિધાનસભાનો સ્નેહમિલન સમારોહ વ્રજ ગોકુળવાડી, સરથાણા-કઠોદરા રોડ, ગઢપુર ખાતે યોજાયો હતો. જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી અને કામરેજના ધારાસભ્ય શ્રી પ્રફુલ પાનશેરીયાએ સોસાયટીના પ્રમુખો, આગેવાનો અને પક્ષના કાર્યકર્તાઓનું અભિવાદન કરી આત્મીય સંવાદ કર્યો હતો. ઉપસ્થિત સૌએ દિવાળીના પર્વ અને નૂતનવર્ષની શુભકામનાઓની આપ-લે કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત કાર્યકર્તાઓ અને નાગરિકોને સામાજિક જવાબદારીના ભાગરૂપે અચૂક અંગદાન માટે પ્રેરણા આપવા ‘અંગદાન મહાદાન’ના શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા. ઉપસ્થિત સૌએ સહભોજન લીધું હતું.
આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ ઉપસ્થિત સોસાયટીઓના પ્રમુખો, આગેવાનો અને ભાજપના કાર્યકર્તાઓનું અભિવાદન કરતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કાર્યપદ્ધતિ અને માનવતાનો અભિગમ પ્રેરણાદાયી છે. સ્નેહમિલન એ કોઈ મનદુઃખ, જૂની વાતો ભૂલીને એકબીજાને મળવાનું અને નવા ઉત્સાહ સાથે આગળ વધવાનું માધ્યમ છે. નવી ઉર્જા, નવી આશા, ઉમંગ અને જનતાના હિત અને કલ્યાણની ભાવના સાથે નવા વર્ષનો પ્રારંભ કરવા અનુરોધ કર્યો હતો.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, શિક્ષણમંત્રી તરીકેની જવાબદારી દરમિયાન પ્રાથમિક શાળાઓના વિકાસ માટે શ્રેષ્ઠ કામગીરી કરી છે. કામરેજ વિધાનસભા વિસ્તારમાં આઠ જેટલી હાઈસ્કૂલો અને સેકન્ડરી શાળાઓના નવા પાયાઓ નાખવામાં આવ્યા છે. કામરેજ વિસ્તારના વિકાસની વાત કરતાં પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં કામરેજ વિસ્તારમાં ૨૮૦૦ બેડની અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ હોસ્પિટલનું નિર્માણ થનાર છે. આ ઉપરાંત અત્યાધુનિક સાયન્સ ટેકનોલોજી કોલેજનું પણ નિર્માણ થવાનું છે.
જાહેર જીવનમાં કે કામગીરી દરમિયાન કોઈ કાર્યકર્તા કે વિસ્તારના નાગરિકને તેમના તરફથી કોઈ ભૂલ થઈ હોય તો ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી તરીકે તેમણે ક્ષમાયાચના કરી કાર્યકર્તાઓને સંગઠનની એકતા જાળવી રાખવા અને દેશના વિકાસ માટે સક્રિય રીતે આગળ વધવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન વડનગરથી વારાણસી સુધીની ૨૧ દિવસની બાઈક યાત્રા પૂર્ણ કરનારા કામરેજ વિધાનસભા વિસ્તારના ૧૩ યુવાનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન અને સિદ્ધિ મેળવનાર દીકરા-દીકરીઓનું પણ સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સમીરભાઈ મોદી, ભાજપના અગ્રણી અને વરિષ્ઠ આગેવાન અશ્વિનભાઈ પટેલ, જગુભાઈ પટેલ, ગુણવતંભાઈ પટેલ, બળવંતભાઈ પટેલ, ગોવિંદભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ભારતીબેન રાઠોડ, શહેર ભાજપના અમરીશભાઈ અને રમેશભાઈ વાણિયા, યુવા મોરચાના બિપીનભાઈ તળાવિયા, જિ.પંચાયતના સભ્યો, કામરેજ વિધાનસભા વિસ્તારના વિવિધ વોર્ડના કોર્પોરેટરો, કામરેજ તા.પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ, ભાજપના વોર્ડ અધ્યક્ષો, પ્રભારીઓ, સોસાયટીઓના પ્રમુખો અને આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર પાયલ ગોરસિયા સુરત
















