surat

અંબિકા તાલુકાના વલવાડા ખાતે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી કરાઈ

ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે પરંપરાગત વાજિંત્રોના નાદ સાથે ભવ્ય રેલી યોજાઈ

ભગવાન બિરસા મુંડાનું બલિદાન અને આદિવાસી સમાજનું રાષ્ટ્રનિર્માણમાં યોગદાન દેશ હંમેશાં યાદ રાખશેઃ

વીજળી, શિક્ષણ, રસ્તા અને રોજગારની સુવિધાઓથી આદિવાસી વિસ્તારો વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યા  છેઃ આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ  પાનશેરીયા

આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ અને બલિદાનને નવી પેઢી સુધી પહોંચાડવું જરૂરી છેઃ ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા

રિપોર્ટર પાયલ ગોરસિયા,સુરતઃ રવિવારઃ ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રનિર્માણમાં આદિજાતિ સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ‘જનજાતીય ગૌરવ દિવસ પખવાડિયા’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મહુવા બેઠકના અંબિકા તાલુકાના વલવાડા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

આ અવસરે પરંપરાગત આદિવાસી વાજિંત્રોના નાદ સાથે ભવ્ય રેલી યોજાઈ હતી. રેલીમાં આદિજાતિ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરાવી હતી.તેમજ મહાનુભાવોના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉત્સાહભેર ઉજવાઈ રહી છે. ભગવાન બિરસા મુંડાએ માત્ર ૨૫ વર્ષની નાની વયે અંગ્રેજ શાસન સામે આદિવાસી સમાજના હક, અધિકાર અને સ્વાભિમાન માટે લડત આપી દેશની આઝાદીના ઇતિહાસમાં વિશેષ સ્થાન મેળવ્યું હતું. દેશની આઝાદી માટે આદિવાસી સમાજના હજારો વીર સપૂતોએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે. ભગવાન બિરસા મુંડાની વિચારધારા સમાજમાં એકતા, સમરસતા અને રાષ્ટ્રભાવનાને મજબૂત કરવાની હતી. આજે દેશના ખૂણે-ખૂણે તેમની જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે, જે આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ અને યોગદાનને સન્માન આપવાનો અવસર છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૧માં નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તે સમયની સ્થિતિ અને આજના ગુજરાતની સ્થિતિમાં મોટું પરિવર્તન આવ્યું છે. એક સમયે આદિવાસી વિસ્તારોમાં વીજળી સહિતની પાયાની સુવિધાઓનો અભાવ હતો, જ્યારે આજે આદિવાસી વિસ્તારોમાં ૨૪ કલાક વીજળી ઉપલબ્ધ બની છે.

ગામેગામ વીજળી, રોડ-રસ્તા, શાળા-કોલેજો અને શિક્ષણની સુવિધાઓના વિસ્તરણથી છેવાડાના આદિવાસી પરિવારોના જીવનમાં પરિવર્તન આવ્યું છે.

આઈ.ટી.આઈ. તાલીમ કેન્દ્રોમાં બેઠકો વધારી યુવાનોને કૌશલ્યલક્ષી તાલીમ અને રોજગારની નવી તકો પૂરી પાડવામાં આવી રહી છે. આગામી સમયમાં પણ વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો દ્વારા આદિવાસી સમાજને શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને પાયાની સુવિધાઓમાં વધુ સક્ષમ બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભગવાન શ્રીરામનાં દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરનાર માતા શબરી આદિવાસી સમાજની ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણનું ગૌરવપૂર્ણ પ્રતીક છે. પ્રકૃતિની પૂજા અને પર્યાવરણનું જતન એ આદિવાસી સંસ્કૃતિની આગવી ઓળખ છે. પ્રકૃતિનું સંરક્ષણ કરવું એ જ સાચા અર્થમાં રાષ્ટ્રસેવા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ અને આદિવાસી સમાજને મુખ્ય વિકાસધારામાં જોડવા માટે સતત કાર્યરત છે.

આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સમાજના હક, અધિકાર અને સ્વાભિમાનની રક્ષા માટે અંગ્રેજ શાસન સામે સશસ્ત્ર સંઘર્ષ કર્યો હતો. તેમણે આદિવાસી સમાજમાં એકતા, જાગૃતિ અને સ્વતંત્રતાની ભાવના જગાવી રાષ્ટ્રના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું.

ભગવાન બિરસા મુંડાનું જીવન અને સંઘર્ષ આજે પણ સમગ્ર આદિવાસી સમાજ માટે પ્રેરણારૂપ છે. દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન બિરસા મુંડાના ઐતિહાસિક યોગદાન અને આદિવાસી સમાજના ગૌરવપૂર્ણ ઇતિહાસને દેશભરમાં ઉજાગર કરવાનું કાર્ય કર્યું છે.

અગાઉ ભારતરત્ન સ્વ.અટલ બિહારી બાજપેયીના કાર્યકાળ દરમિયાન અલગ આદિજાતિ મંત્રાલયની રચના કરવામાં આવી હતી, જેના દ્વારા આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે નવી દિશા મળી હતી. આજે જનજાતીય ગૌરવ દિવસ માત્ર એક મહાન ક્રાંતિકારીની જન્મજયંતિની ઉજવણી પૂરતો સીમિત નથી, પરંતુ દેશના આઝાદીના સંગ્રામ અને રાષ્ટ્રનિર્માણમાં આદિવાસી સમાજે આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરી નવી પેઢીને તેનાથી પ્રેરિત કરવાનો અવસર છે.

 આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી તેજસ પરમાર, પ્રાંત અધિકારીશ્રી મોસમી પટેલ, અંબિકા મામલતદારશ્રી ધવલભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્યોશ્રીઓ,તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, અધિકારીઓ, કર્મચારીઓ સહિત પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શુદ્ધ અને ભેળસેળમુક્ત ખોરાક મેળવવો એ ગુજરાતના નાગરિકોનો હક છે: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

નવરાત્રિ દરમિયાન રાજ્યના નાગરિકોને શુદ્ધ આહાર મળે તે માટે ફૂડ સેફ્ટી વાહનો…

1 of 3

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *