ભારત સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના પ્રયાસોથી ૨૫૬૯ લાભાર્થીઓને ૨.૪૮ કરોડના નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કરાયા
વૃદ્ધજનો અને દિવ્યાંગજનોની સેવા એ ભારતીય સંસ્કૃતિનું જીવંત પ્રતિક: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
વૃદ્ધજનો પરિવાર અને સમાજની અમૂલ્ય મૂડી; તેમના અનુભવથી નવી પેઢી સંસ્કાર અને જીવનમૂલ્યો પ્રાપ્ત કરે છે: રાજ્યપાલશ્રી
ભાવનગરમાં ગુજરાતનો સૌથી મોટો રાષ્ટ્રીય વયોશ્રી યોજના કેમ્પ: કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે ભાવનગરમાં પ્રધાનમંત્રી દિવ્યાશા વયોશ્રી કેન્દ્રનું ઉદ્ધાટન કરાયું
ભારત સરકારનાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા “રાષ્ટ્રીય વયોશ્રી યોજના” અંતર્ગત ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (એલિમ્કો) ના સહયોગથી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના પ્રયાસોથી ૨૫૬૯ લાભાર્થીઓને રૂપિયા ૨.૪૮ કરોડના નિઃશુલ્ક સાધન સહાય વિતરણનો કેમ્પ અટલ બિહારી વાજપેયી ઓપન એર થિએટર, મોતીબાગ ટાઉન હૉલ ભાવનગર ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે ભાવનગરમાં પ્રધાનમંત્રી દિવ્યાશા વયોશ્રી કેન્દ્રનું ઉદ્ધાટન પણ કરવામાં આવ્યું હતું.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, વૃદ્ધજનો અને દિવ્યાંગજનોનું સન્માન કરવું એ ભારતીય સંસ્કૃતિનું મૂળ તત્વ છે. સમાજ ત્યારે જ સાચા અર્થમાં પ્રગતિ કરી શકે જ્યારે તે પોતાના વડીલો અને જરૂરિયાતમંદ નાગરિકોની સંવેદનાપૂર્વક સેવા કરે અને તેમની જરૂરિયાતો પ્રત્યે જવાબદાર બને.
તેમણે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારત સરકાર વૃદ્ધજનો અને દિવ્યાંગજનોને ગૌરવપૂર્ણ, આત્મનિર્ભર અને સ્વાભિમાનપૂર્ણ જીવન જીવવા માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. નિઃશુલ્ક સહાયક સાધનોના વિતરણ જેવા કાર્યક્રમો સમાજમાં સમાનતા અને સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ છે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં ‘માતૃ દેવો ભવઃ, પિતૃ દેવો ભવઃ’નો સંદેશ માત્ર ઉપદેશ નથી, પરંતુ જીવન જીવવાની પરંપરા છે. માતા-પિતાએ સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે સમગ્ર જીવન સમર્પિત કર્યું હોય છે, તેથી વૃદ્ધાવસ્થામાં તેમની સેવા અને સંભાળ રાખવી એ દરેક સંતાનની નૈતિક જવાબદારી છે. વૃદ્ધાશ્રમોની વધતી જતી સંખ્યા સમાજ માટે ચિંતાનો વિષય હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
તેમણે વૃદ્ધજનોને સમાજની અમૂલ્ય મૂડી ગણાવતા કહ્યું કે તેમના અનુભવ, જ્ઞાન અને સંસ્કાર નવી પેઢીને યોગ્ય દિશા આપે છે. વડીલોનું માર્ગદર્શન પરિવાર અને સમાજના સુખાકારીપૂર્ણ વિકાસ માટે અત્યંત જરૂરી છે.
રાજ્યપાલશ્રીએ પ્રધાનમંત્રીશ્રી દ્વારા ‘વિકલાંગ’ના સ્થાને ‘દિવ્યાંગજન’ શબ્દ પ્રચલિત કરીને તેમના પ્રત્યે સન્માન અને આત્મગૌરવની ભાવના મજબૂત બનાવવાના પ્રયાસની પ્રશંસા કરી હતી. તેમણે સમાજના સક્ષમ અને સંપન્ન વર્ગને માનવસેવા તથા જરૂરિયાતમંદોની સહાય માટે આગળ આવવા અનુરોધ કરતાં જણાવ્યું કે માનવકલ્યાણ માટે કરાયેલું દાન જ જીવનને સાચા અર્થમાં સાર્થક બનાવે છે.
વૃદ્ધજનોને સંબોધતાં રાજ્યપાલશ્રીએ નિયમિત ચાલવા, હળવો વ્યાયામ કરવા, આરોગ્યપ્રદ આહાર અપનાવવા, શક્ય હોય ત્યાં સુધી પોતાનું કાર્ય જાતે કરવાની ટેવ રાખવા અને પરિવાર સાથે પ્રેમ તથા સમન્વય જાળવવા અનુરોધ કર્યો હતો. જીવનના ઉત્તરાર્ધમાં ઈશ્વરચિંતન, આધ્યાત્મિકતા અને સકારાત્મક જીવનશૈલી અપનાવવાથી માનસિક શાંતિ અને આરોગ્ય બંને પ્રાપ્ત થાય છે તેમ તેમણે જણાવ્યું હતું.
રાજ્યપાલશ્રીએ સમાજના સર્વાંગી કલ્યાણ માટે કરુણા, સેવા અને પરસ્પર સન્માનની ભાવના વધુ મજબૂત બને તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.
કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા એ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય વયોશ્રી યોજના દેશનાં વયોવૃદ્ધ નાગરિકોના જીવનમાં સુવિધા, આત્મનિર્ભરતા તથા સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવાની દિશામાં ભારત સરકારની એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ પહેલ છે.
વધુમાં તેમણે જણાવ્યું કે આ યોજના અંતર્ગત લાભાર્થીઓની પસંદગી કરવા માટે શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર જિલ્લામાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત કુલ 8091 વયોવૃદ્ધ લાભાર્થીઓની નિઃશુલ્ક સાધન સહાય માટે પસંદગી કરવામાં આવી છે. લગભગ 7.66 કરોડ રૂપિયાના સહાયક ઉપકરણને સ્વીકૃતિ આપવામાં આવી છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ ગુજરાતનો સૌથી મોટો કેમ્પ આજ રોજ ભાવનગર ખાતે યોજાયો છે. આજ રોજ ભાવનગરમાં સહાય વિતરણ સંપન્ન કર્યા બાદ આગામી દિવસોમાં જિલ્લાના અન્ય બાકી રહેલા તાલુકાઓમાં પણ તબક્કાવાર શિબિરોનું આયોજન કરી વિતરણ કરવામાં આવશે.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીનાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા દેશનાં છેવાડાના લોકો સુધી સરકારની તમામ યોજનાઓ લાભ પહોંચાડવા સંકલ્પબદ્ધ થવા કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રીએ સૌને અનુરોધ કર્યો હતો.
આ તકે મેયર શ્રીમતી ઉષાબેન તલરેજા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ લાધવા, ધારાસભ્યશ્રી ગૌતમભાઈ ચૌહાણ, ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ, મહાનગરપાલિકા કમિશનરશ્રી ડૉ. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, આગેવાન શ્રી કુમાર શાહ, શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, પ્રાદેશિક નગરપાલિકાની કચેરીના કમિશનર શ્રી સુનીલ, એલિમ્કો મહારાષ્ટ્રના ઇન્ચાર્જ શ્રી કેશવ ગોતે, ગુજરાત એલિમ્કોના ઇન્ચાર્જ શ્રી મૃદુલ અવસ્થી સહિત જિલ્લાના અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ સહિત વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર નરેશભાઈ ડાંખરા ભાવનગર
















