4 નવેમ્બર, 2026ના રોજ 1,125 કેસ દ્વારા અત્યાર સુધીની સૌથી વધુ એક દિવસની ટિકિટ ચેકિંગ આવક પ્રાપ્ત કરી
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે ટિકિટ ચેકિંગ ક્ષેત્રે શાનદાર કામગીરી કરીને માત્ર બે દિવસમાં આવકના નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે. મંડળે 2 નવેમ્બર, 2026ના રોજ એક જ દિવસમાં ₹11.61 લાખની રેકોર્ડ આવક મેળવી હતી, જ્યારે 4 નવેમ્બર, 2026ના રોજ પોતાના જ આ રેકોર્ડને પાછળ છોડીને ₹12.07 લાખની અત્યાર સુધીની સૌથી વધુ એક દિવસની ટિકિટ ચેકિંગ આવક પ્રાપ્ત કરી છે. આ બંને દિવસ દરમિયાન કુલ 2,323 કેસમાં યોગ્ય ટિકિટ વિના અથવા અનિયમિત રીતે મુસાફરી કરતા મુસાફરોને પકડવામાં આવ્યા હતા અને કુલ ₹23.68 લાખની આવક પ્રાપ્ત કરવામાં આવી હતી.
4 નવેમ્બરના રોજ પ્રાપ્ત થયેલી ₹12.07 લાખની આવક ભાવનગર મંડળના ઇતિહાસમાં ટિકિટ ચેકિંગ દ્વારા એક જ દિવસમાં પ્રાપ્ત થયેલી અત્યાર સુધીની સૌથી વધુ આવક છે. આ સિદ્ધિ સાથે મંડળે મે 2022માં એક જ દિવસમાં પ્રાપ્ત કરેલા ₹9.50 લાખના પોતાના જૂના રેકોર્ડને પણ પાછળ છોડી દીધો છે. ખાસ નોંધનીય બાબત એ છે કે 2 નવેમ્બરના રોજ ₹11.61 લાખનો રેકોર્ડ સ્થાપિત કર્યાના માત્ર બે દિવસમાં જ મંડળે પોતાની કામગીરીમાં વધુ સુધારો કરીને ₹12.07 લાખનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
પશ્ચિમ રેલવેના પ્રમુખ મુખ્ય વાણિજ્ય પ્રબંધક શ્રી તરુણ જૈનના માર્ગદર્શન હેઠળ તેમજ ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠી અને સહાયક વાણિજ્ય પ્રબંધક શ્રી વિશાલ પચૌરીની દેખરેખમાં વાણિજ્ય વિભાગ દ્વારા સુઆયોજિત રીતે સઘન ટિકિટ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
આ અભિયાનમાં ટિકિટ ચેકિંગ કર્મચારીઓની સક્રિય ભાગીદારી, સતર્કતા અને સમર્પિત પ્રયાસોને કારણે આ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે.
ટિકિટ ચેકિંગ અભિયાનનો હેતુ માત્ર રેલવેની આવકમાં વધારો કરવાનો જ નહીં, પરંતુ ટિકિટ વિના તથા અનિયમિત મુસાફરી પર અસરકારક નિયંત્રણ લાવવાનો અને મુસાફરોને યોગ્ય તથા માન્ય ટિકિટ લઈને મુસાફરી કરવા માટે પ્રોત્સાહિત કરવાનો પણ છે. સતત બે દિવસમાં પ્રાપ્ત થયેલી આ સફળતા ભાવનગર મંડળના વાણિજ્ય વિભાગની કાર્યક્ષમતા, શિસ્ત અને ટીમ ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે.
ભાવનગર મંડળના મંડળ રેલવે પ્રબંધક શ્રી દિનેશ વર્માએ આ ઐતિહાસિક સિદ્ધિ બદલ વાણિજ્ય વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા તેમજ તેમના સમર્પણ, સખત પરિશ્રમ અને ઉત્કૃષ્ટ કાર્યશૈલીની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અધિકારીઓ અને કર્મચારીઓના સામૂહિક પ્રયાસો, વધુ સારા સંકલન અને કર્તવ્યનિષ્ઠાથી જ આવી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે. તેમણે ભવિષ્યમાં પણ આ જ ઉત્સાહ અને પ્રતિબદ્ધતા સાથે કાર્ય કરતા રહેવા માટે પ્રેરિત કર્યા હતા.
ભાવનગર મંડળ મુસાફરોને અપીલ કરે છે કે તેઓ હંમેશાં યોગ્ય અને માન્ય મુસાફરી ટિકિટ લઈને જ રેલવે મુસાફરી કરે તથા રેલવેના નિયમોનું પાલન કરે. જવાબદાર મુસાફર બનીને રેલવેની આવકના સંરક્ષણમાં સહયોગ આપે અને સૌના માટે સુરક્ષિત, સુવ્યવસ્થિત તથા સુવિધાજનક રેલ મુસાફરી સુનિશ્ચિત કરવામાં સહભાગી બને.
















