પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં 26 નવેમ્બર, 2026 (ગુરુવાર)ના રોજ બંધારણ દિવસ ઉત્સાહભેર અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ મંડળ કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં અધિકારીઓ અને કર્મચારીઓને ભારતના બંધારણની પ્રસ્તાવનાનું સામૂહિક વાંચન કરાવ્યું હતું તથા બંધારણના આદર્શો, મૂલ્યો અને સિદ્ધાંતો પ્રત્યે નિષ્ઠા અને સમર્પણની શપથ લેવડાવી હતી.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક, ભાવનગર, શ્રી અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, કાર્યક્રમ દરમિયાન મંડળ રેલ પ્રબંધક શ્રી વર્માએ સૌને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવા, સાંપ્રદાયિક સદભાવના અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવવા તથા પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવતાં રાષ્ટ્રસેવા પ્રત્યે સમર્પિત રહેવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. તેમણે બંધારણમાં સમાવિષ્ટ ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના મૂળભૂત આદર્શોને પોતાના જીવન અને કાર્યશૈલીમાં આત્મસાત કરવા તથા લોકતાંત્રિક મૂલ્યોને મજબૂત બનાવવામાં સક્રિય યોગદાન આપવા સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે ભાવનગર મંડળના તમામ સ્ટેશનો, ડેપો, કાર્યાલયો અને વર્કશોપમાં પણ અધિકારીઓ, સુપરવાઇઝરો તથા કર્મચારીઓ દ્વારા બંધારણની પ્રસ્તાવનાનું સામૂહિક વાંચન કરવામાં આવ્યું હતું. મંડળના તમામ કાર્યસ્થળોએ ઉત્સાહપૂર્વક બંધારણ દિવસની ઉજવણી કરીને બંધારણ પ્રત્યે સન્માન અને તેના મૂળભૂત સિદ્ધાંતોનું પાલન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમનું આયોજન વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી હુબલાલ જગનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. મંડળ કાર્યાલય પરિસરમાં આયોજિત મુખ્ય કાર્યક્રમમાં અપર મંડળ રેલ પ્રબંધક શ્રી ઋત્વિક શર્મા સહિત મંડળના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, 26 નવેમ્બર, 1949ના રોજ બંધારણ સભા દ્વારા ભારતના બંધારણને અંગીકાર કરવામાં આવ્યું હતું અને 26 જાન્યુઆરી, 1950ના રોજ તેનો અમલ કરવામાં આવ્યો હતો. ભારત સરકારે વર્ષ 2015માં 26 નવેમ્બરને દર વર્ષે બંધારણ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં બંધારણ પ્રત્યે જાગૃતિ વધારવાનો તેમજ તેના મૂળભૂત આદર્શો અને લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યે સન્માન અને પ્રતિબદ્ધતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે.
















