તળાજા : અંગદાન કરવાની પ્રતિજ્ઞા લેવાય સમાજમાં પરિવર્તન લાવવા અને પ્રવર્તમાન સમસ્યાઓના નિર્મૂલન માટે આવનારી યુવા પેઢીરૂપી વર્તમાન સમયના બાળકોની અત્યંત મહત્વની ભૂમિકા રહેલી છે. આ તથ્યને સ્વીકારીને સરકારી મેડિકલ કોલેજ અને સર ટી. જનરલ હોસ્પિટલની અંગદાન જનજાગૃતિ ટીમ દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવતા આશરે ત્રણ હજાર વિદ્યાર્થીઓસાથે પ્રત્યક્ષ સંવાદ અને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન ગણેશ શાળા ટીમાણા ખાતે કરવામાં આવ્યું હતું.
ડૉ. દલપતભાઈ કાતરિયા દ્વારા ડૉ. ગણેશ બારૈયાની સંઘર્ષમય સફર અને પરિશ્રમ વિશે વાત કરવામાં આવી હતી. ડૉ. યશ દવે દ્વારા ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ શાળા સંચાલકોને અંગદાન વિષય અંગે માહિતી આપીને સ્વૈચ્છિક અંગદાનની પ્રતિજ્ઞા લેવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. ડૉ. ગણેશ બારૈયા દ્વારા NEET અને JEE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાત્મક સંવાદ કરવામાં આવ્યો હતો અને પોતાના લક્ષ્ય પ્રત્યે અડગ રહીને સતત પ્રયત્નશીલ રહેવાની પ્રેરણા આપવામાં આવી હતી. પૌરાણિક કથાઓ અને વર્તમાન ઉદાહરણો થકી તેમણે પરિશ્રમનું મહત્વ, વ્યસનમુક્ત જીવનનું મહત્વ તેમજ અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું.
મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી મનભાઈ શિહોરા અને તેમની ટીમ ડૉ. ગણેશ બારૈયા – મેડિકલ ઓફિસર અને અંગદાન બ્રાન્ડ એમ્બેસેડર, સરકારી મેડિકલ કોલેજ અને સર તખ્તસિંહજી હોસ્પિટલ, ભાવનગર ડૉ. દલપતભાઈ કાતરિયા – શાળા શિક્ષક અને માર્ગદર્શક શ્રી ચુડાસમા સાહેબ – પ્રમુખ, તળાજા તાલુકા શિક્ષક સંઘ ડૉ. દીપક નકુમ – MD બાળરોગ નિષ્ણાત, પલ્સ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અને સક્રિય કાર્યકર્તા, NMO ડૉ. યશ દવે – તબીબી શિક્ષક, કો-ઓર્ડીનેટર અંગદાન જનજાગૃતિ અભિયાન અને ઉપાધ્યક્ષ, NMO કેમ્પસ યુનિટ ડૉ. અક્ષયગીરી ગોસ્વામી – એડવાઈઝરી, મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિયેશન અને ઉપાધ્યક્ષ, BJYM શ્રી ધાર્મિક માણિયા – વિદ્યાર્થી પ્રમુખ, NMO સૌરાષ્ટ્ર અને સચિવ, NMO કેમ્પસ યુનિટ
દ્વારા ઉપસ્થિત તમામ લોકોને સામૂહિક અંગદાનની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. થોડા મહિનાઓ પહેલા આ જ શાળાની એક વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ ત્યારે તેઓને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવેલ, ત્યારે શાળાના ટ્રસ્ટી અને શાળાના અન્ય શિક્ષકોની સમજાવટ બાદ પરિવાર દ્વારા અંગદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને પરિવાર દ્વારા લેખિત સહમતી આપવામાં આવી હતી. આ વાતને યાદ કરીને તે વિદ્યાર્થીનીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. શાળાના ટ્રસ્ટી અને શિક્ષક સ્ટાફ દ્વારા મંચ ઉપરથી પોતાની અંગદાન માટેની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે ‘અંગદાન ભાવનગર’ની ટીમ દ્વારા ઉત્કૃષ્ટ શિક્ષક તરીકે શાળાના ટ્રસ્ટી અને ઉપસ્થિત મહેમાન ડૉ. દલપતભાઈ કાતરિયાનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
















