Education

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

તખુભાઈ સાંડસુર
શિક્ષકો જન્મજાત હોય છે, જે ખરેખર પોતાના માટે નહીં, પણ બાળકના પરમ કલ્યાણાર્થે અવતરિત થઈને મથતાં હોય! જ્યાં પોતાનો વિચાર નહીં, પણ પોતાના વિદ્યાર્થીઓની ચિંતા વધુ હોય. 24×7 બાળકો માટે ઉપલબ્ધ હોય તેવા શિક્ષક ગુરુકુળમાં ન હોવા છતાં ઋષિતુલ્ય જ છે. આ વ્યાખ્યામાં બંધ બેસતા શિક્ષક હવે આજે દીવો લઈને શોધવા કઠિન તો છે જ, પણ ક્યાંક આજે પણ કોઈ ઘોર અંધકારમાં મીણબત્તી પ્રગટાવીને ઊભું છે. ભરૂચ જિલ્લાના આદિજાતિ વિસ્તારમાં ધૂણી ધખાવીને બેઠેલાં દરિયાદિલ આચાર્યા જ્યોત્સનાબેન બારોટની વાત આજે કરવી છે.

પેલી મીન પિયાસીની કહેણી છે કે, ‘સમતાનો જ્યાં સમય થયો, ત્યાં ઊંચું શું ને નીચું શું?’ આજ રફતારને પકડીને જ્યોત્સનાબેને આદિજાતિ વિસ્તારનાં બાળકો માટે પોતાની જાત સમર્પિત કરી છે.

‘બાલ દેવો ભવ’ સૂત્રને સાકાર કરતાં જ્યોત્સનાબેન નવેઠા ગામ જ નહીં, પરંતુ તે પહેલાંની ગંધાર, કરવટ અને ત્રાંકલ—ત્રણેય શાળાઓમાં બાળકો સાથે દૂધમાં સાકરની જેમ ભળી ગયેલાં. પછી વિદ્યાર્થીઓ પોતાની માને નહીં, પરંતુ આ માસ્તરને પહેલાં માંના સ્તર પર મૂકે. અને જ્યારે તેઓ કોઈ પણ શાળા બદલે ત્યારે આખું નિશાળનું ફળિયું રડતું અનેક લોકોએ જોયું છે. જ્યારે તેઓ પોતાની સેવાકાળની બદલી કરી રહ્યા હોય ત્યારે સમગ્ર ગામ તેમને પાછા વાળવા માટે તલપાપડ હતું. કારણ કે જ્યોત્સનાબેન માત્ર શિક્ષિકા નહોતાં, પરંતુ ગરીબ, વંચિત અને પીડિત બાળકોનાં આંસુ લૂછનાર એક સંવેદનશીલ વ્યક્તિત્વ અને હમદર્દ હતાં.

પોતાનો નાનકડો પગાર હોવા છતાં તેમણે બાળકોના શિક્ષણને લગતી કોઈપણ જરૂરિયાત માટે પોતાના પર્સમાં હાથ નાખ્યો હોય, તો તે હાથ કદી પાછો ફર્યો નથી. તેઓ જિંદગીને ખરા અર્થમાં શિક્ષક તરીકે જીવવા માંગે છે તેનું આ તામ્રપત્રમાં લખેલું આ પ્રમાણપત્ર ગણાય!
સને 1999થી શરૂ કરી 25 વર્ષ સુધી ત્રણ શાળાઓમાં તેમણે કામ કરીને TLM કોઈ ગ્રાન્ટમાંથી નહીં, પરંતુ જાતે પૈસા ખર્ચીને બનાવ્યાં. વિદ્યાર્થીઓના ચહેરા ઉપર હંમેશાં મુસ્કુરાહટ જોવાનો તેમણે પ્રયત્ન કર્યો. તેમણે ગમ્મત સાથે જ્ઞાનના વર્ગોમાં વિદ્યાર્થીઓને શીખવવામાં પડતી અગવડતાઓ ધ્યાનમાં લઈને વેસ્ટમાંથી બેસ્ટ બને તેવા શૈક્ષણિક સાધનો વિકસાવ્યાં છે.

ભરૂચ જિલ્લાના નવેઠાની શાળાના બાળકોને ગુજરાતનાં તમામ સ્થળોનો પોતાના ખર્ચે પ્રવાસ કરાવ્યો છે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓને કમ્પ્યુટર શિક્ષણ માટે સરકારી કોઈ વ્યવસ્થા ન હતી, તો પોતાના ખર્ચે શિક્ષક રોકીને બાળકોને નવી સદી સાથે તાલ મિલાવવા દૃઢતા બતાવી! દાતાઓ પાસેથી શાળાની જરૂરિયાતો, વિદ્યાર્થીઓની જરૂરિયાતો વગેરેને ધ્યાનમાં લેતાં તેમણે મોટું દાન એકઠું કર્યું છે. તેથી આ નવેઠા શાળા આજે આંખે ઊડીને વળગે તેવી થઈ છે.

રિસોર્સ પર્સન કે માસ્ટર ટ્રેનર તરીકે તેમણે કદી સમયને જોયો નથી. ઓફિસ અવર્સને ડસ્ટબિનમાં નાખીને તેઓ મોડે સુધી કાર્યરત રહ્યાં છે. તેથી તેઓ વહીવટી તંત્ર, વિદ્યાર્થી સમુદાય અને સાથી શિક્ષક સમુદાયમાં એટલાં જ લોકપ્રિય રહ્યાં છે. તેઓ ખરા અર્થમાં માનવતાવાદી શિક્ષિકા-આચાર્યા તરીકે પોતાના જીવનને સંદેશ બનાવી દીધું હોય તેની પ્રતીતિ સતત તેમની આસપાસના લોકોને થતી રહે છે.

સાહિત્યમાં ઊંડા રસના કારણે તેમણે બાળ કાવ્યોમાં પોતાનો હાથ અજમાવીને ઘણાં બધાં અખબારો અને પ્રકાશન સમૂહોમાં તેને પ્રકાશિત કરાવ્યાં છે. તેમની બધી કૃતિઓમાં કોઈને કોઈ રીતે બાળકનો શ્વાસ અને વિશ્વાસ પડઘાતો રહ્યો છે. તેઓ અનેકવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે. જેમાં એક શાખા ધાર્મિક પ્રણામી સંપ્રદાય પણ છે. તેના મનન અને મંથન પર તેઓ પ્રવચન પણ કરે છે.

જ્યોત્સનાબેન એકેડમિક ઓછાં છે, તેથી સરકારી શિક્ષક એવોર્ડની મથામણ કરતાં નથી. તેઓ કહે છે કે, ‘બાળપ્રેમ એ મોટો એવોર્ડ છે. હું સતત મારા વિદ્યાર્થીઓમાં ઈશ્વરના દર્શન કરી શકું છું. આ દૃષ્ટિ જ મને નવી સવારને ઉત્સાહથી તાજી કરવા પ્રેરણા આપે છે.’

વિવિધ સંસ્થાઓએ તેમને બાળ રક્ષક એવોર્ડ, સારસ્વત સન્માન, પર્યાવરણ સંરક્ષક એવોર્ડ, શ્રેષ્ઠ સ્વચ્છતા શાળા એવોર્ડ, શ્રેષ્ઠ ઈનોવેશન સન્માન (2024-25), શાળાને શ્રેષ્ઠ કાર્ય સન્માન, સક્ષમ શાળા સન્માન જેવા સન્માન આપ્યાં છે.

ભરૂચ જિલ્લાની મુલાકાત સમયે જ્યોત્સનાબેન બારોટની નવેઠા શાળાની મુલાકાત લેવાની તક કોઈ છોડતું નથી. શિક્ષક જ સમાજ બદલી શકે તે વાત તેમનું કાર્ય સિદ્ધ કરે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને રમતગમતની સામગ્રી વિતરણ કરાઈ

ભાવનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: કેરીયાવાડી પ્રાથમિક શાળામાં યુનિફોર્મ અને રમતગમત…

વૈદિક સનાતન ધર્મ છે” તો જ અન્ય પંથ-ધર્મ-રાષ્ટ્ર છે.- મનસુખ સુવાગીયા ચારણકી ગામે મનસુખભાઈ સુવાગીયાનું સન્માન કર્યું

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા) જળક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ, ફ્લોટેક કંપનીના માલિક…

1 of 18

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *