Helth

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

100થી વધુની દૈનિક OPD વચ્ચે નવા MBBS તબીબ ડો. મયુર વાળાની નિયુક્તિ; આરોગ્ય કેન્દ્રમાં વધુ ડોક્ટર-નર્સિંગ સ્ટાફ ફાળવવાની માંગ

ઉમરાળા: ઉમરાળા તાલુકામાં વાયરલ તાવ, શરદી-ઉધરસ, ઝાડા-ઉલ્ટી સહિતના રોગચાળાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોના આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. રંઘોળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દરરોજ 100થી વધુ દર્દીઓની OPD નોંધાઈ રહી હોવાના સ્થાનિકોના જણાવ્યા વચ્ચે તબીબોની ઉપલબ્ધતાનો મુદ્દો સામે આવ્યો હતો.

આ મુદ્દે મીડિયા અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. રંઘોળા PHC ખાતે નવા MBBS તબીબ તરીકે ડો. મયુર વાળાની નિમણૂકનો ઓર્ડર આજે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા અહેવાલ બાદ તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવતા સ્થાનિકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.

જોકે, રંઘોળા PHCમાં મોટી સંખ્યામાં દર્દીઓની OPDને ધ્યાનમાં રાખીને માત્ર એક નવા તબીબની નિમણૂક પૂરતી ન હોવાનું જણાવી આરોગ્ય કેન્દ્રમાં વધુ ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ તેમજ અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

રંઘોળા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આ PHC મહત્વનું આરોગ્ય કેન્દ્ર હોવાથી દર્દીઓને સમયસર અને પૂરતી સારવાર મળી રહે તે માટે આરોગ્ય તંત્ર દ્વારા સ્ટાફની જરૂરિયાતનું યોગ્ય મૂલ્યાંકન કરી વધુ સુવિધાઓ ફાળવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

સાથે જ સ્થાનિક સ્તરે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આરોગ્ય તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ રંઘોળા PHCની તબીબો, નર્સિંગ સ્ટાફ અને અન્ય જરૂરી સુવિધાઓની સમસ્યાઓ અંગે તાત્કાલિક ધ્યાન આપે અને ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને પૂરતી તથા સમયસર આરોગ્ય સેવા મળી રહે તે માટે જરૂરી કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે.

મીડિયા અહેવાલ બાદ નવા MBBS તબીબની ફાળવણી કરવામાં આવતા આરોગ્ય સેવા સુધારવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું ગણાઈ રહ્યું છે. હવે PHCમાં બાકી રહેલી સ્ટાફ અને સુવિધાઓની ખામીઓ પણ ઝડપથી દૂર કરવામાં આવે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.

રિપોર્ટ : નિલેષ ઢીલા, ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 9

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *