જામનગર, સંજીવ રાજપૂત: જામનગરમાં કાર્યરત 181 અભયમ મહિલા હેલ્પલાઇન મહિલાઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ છે. જામનગરની એક મહિલાએ 181માં ફોન કરી મદદ માંગતા જણાવ્યું હતું કે પારિવારિક ઝઘડાના કારણે હું દોઢ માસથી મારા પિયરમાં છું અને મારા સાસરા પક્ષથી અત્યારે કોઈ સંપર્ક નથી પરંતુ મારે સમાધાન કરી પરત સાસરે જવું હોવાથી ડર લાગે છે કે એ લોકો મને અપનાવશે કે નહીં તેથી મારે 181 મહિલા હેલ્પલાઇનની મદદની જરૂર છે.
કોલ આવતાની સાથે જ જામનગર અભયમ ટીમના કાઉન્સેલર રીના દિહોરા, પોલીસ કોન્સ્ટેબલ ગીતાબેન ધારવીયા તેમજ પાયલોટ સુરજીતસિંહ વાઘેલા સહિત ટીમ ઘટના સ્થળ પર પહોંચેલ અને મહિલાને આશ્વાસન આપી કુશળ કાઉન્સેલિંગ કરેલ અને સમસ્યા જાણેલ કે મહિલાને પહેલા બાળક વખતે કસુવાવડ થયેલ હોય આ વાતને લઈને તેના સાસુ, સસરા અને પતિ માનસિક ત્રાસ આપી અપશબ્દ બોલતા તેમજ ખાણીપીણીમાં અને પહેરવેશમાં દેરાણી જેઠાણી અને મારા વચ્ચે ભેદભાવ કરતા હોય અને પતિએ મારપીટ કરેલ હોય તેથી ત્રાસથી કંટાળીને તેઓ તેમના પિયર દોઢ માસથી ચાલ્યા ગયા છે.
181ની ટીમ દ્વારા મહિલા તેમના સસરા પક્ષના સભ્યોનું કુશળ કાઉન્સેલિંગ કરી કાયદાકીય અને ઘરેલુ હિંસા અધિનિયમ 2005 વિશે વિગતવાર કાયદાકીય માહિતી આપી હતી. તેમજ પારિવારિક સંબંધનું મહત્વ સમજાવ્યું હતું. તેઓએ તેમની ભૂલ સ્વીકારતા મહિલાને રાજી ખુશીથી સ્વીકારી સુખદ સમાધાન થતા સૌએ ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.