Latest

ગાંધીનગરમાં ગુજરાત કોનેક્સ-૨૦૨૩નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન આયોજિત ગુજરાત કોનેક્સ-૨૦૨૩નો પ્રારંભ કરાવતા હેલ્ધી ગ્લોબલ કોમ્પિટિશન માટે ક્વોલિટી-ગુણવત્તાના માપદંડોમાં બદલાવ લાવવાનું પ્રેરક આહવાન કર્યું હતું. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, નેશન બિલ્ડીંગ માટે રાજ્યના હિતને પણ વ્યવસાયિક હિત સાથે પ્રાધાન્ય આપીએ.

મુખ્યમંત્રીશ્રીએ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ તથા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં આ ગુજરાત કોનેક્સ-૨૦૨૩નો આરંભ કરાવ્યો હતો.

ત્રણ દિવસ ચાલનારા આ પ્રદર્શનમાં અદ્યતન બાંધકામ મશીનરી અને વાહનો, બિલ્ડીંગ સામગ્રીના મશીન તથા માઈનીંગ મશીન્‍સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. વિવિધ ૫૦૦ જેટલી પ્રોડક્ટસ સાથે આ પ્રદર્શનમાં ૩૦૦થી વધુ પાર્ટિસિપન્ટસ જોડાયા છે.

મુખ્યમંત્રીએ આ પ્રદર્શન પ્રારંભ સાથે ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનની કોફી ટેબલ બુકનું વિમોચન તથા પાંચ વ્યક્તિઓને એક્સલન્‍સ ઈન કન્‍સ્ટ્રક્શન સેક્ટરનાં અને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પણ એનાયત કર્યા હતા.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વિશ્વનેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટથી સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ અને નેશન બિલ્ડીંગનો રાહ કંડાર્યો છે.

ભારતે G-20ની સફળતા દ્વારા વિશ્વના વિકસિત દેશોના રાષ્ટ્રોના વડાઓની પણ પ્રશંસા મેળવી છે. એટલું જ નહીં, ભારત અન્ય કોઈ પણ દેશ કરતા પાછળ નથી તેવી દ્રઢ છાપ લઈને તેઓ ગયા છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ગુજરાતને દરેક ક્ષેત્રે ગ્લોબલ પ્લેટફોર્મ આપવા વડાપ્રધાનએ શરૂ કરાવેલી વાઇબ્રન્ટ સમિટે હવે બે દાયકા પૂર્ણ કરીને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનાં નવા બેંચમાર્ક પ્રસ્થાપિત કર્યા છે.

આપણે આ ઉજ્જવળ પરંપરા અને વિકાસની યાત્રાને વધુ તેજ ગતિએ આગળ લઈ જવા તંદુરસ્ત સ્પર્ધામાં રહેવા ગુણવત્તાના માપદંડો બદલવા પડશે એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને હવેના સમયની આવશ્યક જરૂરિયાત ગણાવતાં કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારના બજેટમાં પણ આ સેક્ટરને પ્રાયોરિટી આપવામાં આવી રહી છે. વડાપ્રધાનશ્રીએ કેન્દ્ર સરકારના આ વર્ષના બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે ૧૦ લાખ કરોડ રૂપિયાની જોગવાઈઓ કરી છે તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સહિત સર્વાંગી વિકાસ માટે બજેટમાં સતત વધારો કર્યો છે. ૧૯૯૫માં રાજ્યનું બજેટ ૧૨ હજાર કરોડનું હતું, તે આ વર્ષે ૩ લાખ કરોડ જેટલી માતબર રકમ સાથેનું ઐતિહાસિક બજેટ થયું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષના બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને વિકાસના પાંચ સ્તંભમાંનો એક અગત્યનો સ્તંભ ગણી રાજ્ય સરકારે આગામી પાંચ વર્ષ માટે પાંચ લાખ કરોડ રૂપિયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે આયોજન કર્યું છે તેમ પણ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણનો સંકલ્પ વ્યક્ત કરતા અપીલ કરી હતી કે, આ માટે કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન સહિત સૌ સમાજ વર્ગો સાથે મળીને યોગદાન આપે.

આરોગ્ય અને ઉચ્ચ-ટેકનિકલ શિક્ષણમંત્રી ઋષિકેશભાઇ પટેલે પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું કે, માનવજાતની ઉત્પત્તિ થઈ ત્યારથી માંડીને આજ સુધી બાંધકામ પ્રવૃત્તિ પણ સતત વિકસતી રહી છે. પ્રાચીન સમયમાં ઇજિપ્તના પિરામિડ, તાજમહાલ, પર્વતો પરના મંદિરો, દેરાસરો એવા અનેક અદ્વિતીય બાંધકામ માનવજાતના કૌશલ્યનો પરિચય આપે છે.

તેમણે ઉમેર્યું કે, આ ૨૧મી સદી જ્ઞાન-વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે ત્યારે બાંધકામ ક્ષેત્રે અધ્યતન મશીનરીના ઉપયોગથી ઝડપી અને ગુણવત્તાયુક્ત કામ નીતિ અને નિયતિ બેયના સંગમથી થઈ રહ્યું છે. આરોગ્ય મંત્રીશ્રીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકાર બાંધકામ ઉદ્યોગ સહિત દરેક વર્ગોના વિકાસ માટે સદૈવ કાર્યરત છે તેની પણ વિગતો આપી હતી.

મંત્રી ઋષિકેશભાઇ પટેલે એવું પ્રેરક સૂચન કર્યું હતું કે, સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ ઇજનેરી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને આ પ્રદર્શનની મુલાકાતે લાવવા જોઈએ. આવા પ્રદર્શનો ભવિષ્યની પેઢી માટે રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો રાહ કંડારશે એવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે માર્ગ-મકાન સચિવ એ.કે.પટેલ, વરિષ્ઠ ઇજનેરો તથા એસોસિએશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. GCAનાં ચેરમેન અરવિંદ પટેલે પ્રારંભમાં આ સમગ્ર કાર્ય આયોજનનો હેતુ સ્પષ્ટ કરી રાજ્ય સરકારના સહયોગ માટે આભારની લાગણી દર્શાવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સાંસદશ્રી ભરત સુતરીયાની વિશેષ ઉપસ્થિતીમા લીલીયામોટા ખાતે ભૂગર્ભ ગટરનું ભૂમિ પૂંજન કરતા ધારાસભ્ય કસવાલા

લીલીયામોટાની વર્ષો જૂની સમસ્યાનો આવશે અંત: કસવાલા લાઠીના ધારસભ્ય શ્રી તળાવીયા,…

પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ૯ મી ડિસેમ્બરના રોજ ગોધરા ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે

એબીએનએસ, ગોધરા (પંચમહાલ): પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા જિલ્લાના…

1 of 566

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *