અમદાવાદ, સંજીવ રાજપૂત: મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગુજરાત સરકારની દેખરેખ હેઠળ કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર –સોલા, અમદાવાદ અને 181 મહિલા હેલ્પલાઈન પીડિતા સુશ્રી પ્રભાબહેન(નામ બદલેલ છે) માટે પોતાના ઘરે પહોંચવાનું માધ્યમ બની.
181 પર મદદ માંગવાના કારણે સખી વન સ્ટોપ સેન્ટર, સોલા ખાતે પ્રભાબહેનને લઈ જઈને તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. તેમની ભાષામાં જાણ ન પડતાં સેન્ટરના કર્મચારીઓ દ્વારા બોપલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને ભાષાનાં જાણકારને બોલાવવામાં આવ્યા હતા. પ્રભાબહેને તેમનું સરનામું ઓડિશાનું જણાવ્યું હતું.
બોપલ પોલીસ અને સોલા પોલીસ સ્ટેશન દ્વારા પ્રભાબહેનનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. બીજી તરફ સોલા પોલીસ સ્ટેશન પર પ્રભાબહેનની ગુમ થયાની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. સોલા પોલીસ સ્ટેશનથી તેમના પરિવારની જાણકારી મળી, જેના આધારે તેમના પુત્રને જાણ કરવામાં આવી હતી.
સુશ્રી પ્રભાબહેનના પુત્રને સખી વન સ્ટોપ સેન્ટર પર બોલાવવામાં આવ્યા હતા. તેમના પુત્રએ જણાવ્યું હતું કે પ્રભાબહેન અસ્થિર મગજના હોવાથી ઘરેથી નીકળી ગયા હતાં. પ્રભાબહેન પુત્ર જોડે ગોતા ગામમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. આમ, સખી વન સ્ટોપ સેન્ટરની મદદથી માનસિક દિવ્યાંગ પ્રભાબહેનને તેમના પુત્ર જોડે પુનઃ મુલાકાત કરાવવામાં આવી હતી.