Latest

શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા લાડવી ગામની નિ:સહાય બાળકીઓની વ્હારે આવ્યા

સુરત જિલ્લાની કામરેજ તાલુકાનાં લાડવી ગામની બે બાળાઓને નવસારીના શાંતાબા વિદ્યાલયમાં પ્રવેશ કરાવતા રાજય કક્ષાનાં શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

“પ્રવેશ મેળવેલ બાળાઓમાં શાંતાબા વિદ્યાલય દ્વારા ઉત્તમ શિક્ષણ અને મૂલ્યવાન સંસ્કારોનું સિંચન થશે” – મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

( નવસારી : સોમવાર ) રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ આજ રોજ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કુકેરી ખાતેની શાંતાબા વિદ્યાલયની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સુરત જિલ્લાની કામરેજ તાલુકાનાં લાડવી ગામની બે નિ:સહાય બાળાઓ સંજના રાઠોડ અને વંશિકા રાઠોડને શાંતાબા વિદ્યાલયમાં પ્રવેશ કરાવ્યો હતો અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે મા સરસ્વતીને પ્રાર્થના કરી હતી.

આ અવસરે મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ શાંતાબા વિદ્યાલયના બાળકોની શિસ્ત અને સંસ્કારોની સરાહના કરી હતી. તેઓશ્રીએ જણાવ્યું હતું કે માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભારતવર્ષમાં ન્યુ એજ્યુકેશન પોલીસીનો અમલ થઈ રહયો છે ત્યારે નવસારી જિલ્લાના અંતરિયાળ વિસ્તારની શાંતાબા વિદ્યાલય ન્યુ એજ્યુકેશન પોલીસીના મૂળ મૂલ્યો અને સિદ્ધાંતો પર અમલ કરી બાળકોનું સિંચન કરી રહી છે.

આજે લાડવી ગામની આ બે નિ:સહાય બાળાઓને શાંતાબા વિદ્યાલયનું ઉત્તમ શિક્ષણ અને મૂલ્યવાન સંસ્કારોનું સિંચન મળશે અને બંને બાળાઓનું જીવન સુધરશે એવો વિશ્વાસ એમણે વ્યક્ત કર્યો હતો. વધુમાં એમણે જણાવ્યું હતું કે અહીં બાળકોને સંસ્કૃતિ સાથેનું શિક્ષણ આપવામાં આવે છે.

જેના થકી બાળકોનો સુદ્રઢ વિકાસ થઇ યોગ્ય દિશામાં આગળ વધી શકશે. એ થકી બાળકો શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરી વિદ્યાલયનું નામ રોશન કરે તેવા આશીર્વચન પાઠવ્યા હતા. મુલાકાત દરમિયાન શાંતાબા વિદ્યાલયના વર્ગખંડમાં બાળકો સાથે વિષયવસ્તુ પર ચર્ચા કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

મંત્રીશ્રીએ પ્રવેશ મેળવનાર બંને બાળાઓને શાળા પરિસરના વર્ગખંડ, સ્પોર્ટ ગ્રાઉન્ડ, લેબોરેટરી જેવી સુવિધાઓથી અવગત કરાવી હતી. સાથે, મંત્રીશ્રીએ આ પ્રસંગે એક લાખ રૂપિયાનું અનુદાન શાંતાબા વિદ્યાલયને આપવાની જાહેરાત પણ કરી હતી.

આ પ્રસંગે વિદ્યાલયનાં ટ્રસ્ટી શ્રી પરીમલભાઈ પરમારે મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાનાં આ માનવતાભર્યા અભિગમ હ્રદયપૂર્વક બિરદાવ્યો હતો અને અંતઃકરણથી આભાર માન્યો હતો. સાથે, બંને બાળાઓનાં ઉજ્જવળ ભવિષ્યની ખાતરી આપી હતી.

આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી રાજેશ્રી ટંડેલ, ઈ.ચા .જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી ભગીરથસિંહ પરમાર, શાંતાબા વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી પરીમલભાઈ પરમાર, શિક્ષકગણ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *