ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સરકારી જમીન પર અનધિકૃત રીતે ઊભા કરવામાં આવેલ ઢોરવાડા સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત આજે સે-૮ ખાતે સરકારી માલિકીની જગ્યામાં ઊભો કરવામાં આવેલ એક અનધિકૃત ઢોરવાડો દૂર કરવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન કુલ ૧૪ પશુઓને પકડવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, રાયસણ ખાતે જાહેર જગ્યાએ અનધિકૃત રીતે ઘાસચારો વેચતા એક વ્યક્તિની લારી અને ઘાસ જપ્ત કરવામાં આવ્યું હતું. તદુપરાંત, રખડતા ઢોર પકડવાની ટીમની રેકી કરતા કેટલાક પશુમાલિકો સામે પણ કડક કાર્યવાહી કરવા માટે શહેરના તમામ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં સર્વે ચાલી રહ્યો છે અને અનધિકૃત ઢોરવાડાઓ અને બાંધકામોને તાત્કાલિક દૂર કરવા માટેના પગલાં લેવામાં આવશે. આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી વધુ મજબૂત બનાવવામાં આવશે.