bhavnagar

જેતલસર જંકશનનો અંદાજે ₹17 કરોડના ખર્ચે થઈ રહ્યો છે કાયાકલ્પ, મુસાફરોની સુવિધાઓના વિસ્તરણ પર રેલવેનું વિશેષ ધ્યાન

અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત સ્ટેશનના પુનર્વિકાસ કાર્યને મંજૂરી; ફૂટ ઓવર બ્રિજ, લિફ્ટ, આધુનિક પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ અને પાણી પુરવઠા જેવી સુવિધાઓનો થઈ રહ્યો છે વિસ્તાર

પશ્ચિમ રેલવેનું ભાવનગર મંડળ જેતલસર જંકશનના સર્વાંગી વિકાસ તથા મુસાફરોને વધુ સારી, સુરક્ષિત અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયત્નશીલ છે. જેતલસર સ્ટેશનના વિકાસની અવગણના કરવામાં આવી રહી હોવા સંબંધિત કેટલાક સમાચારોના સંદર્ભમાં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે રેલવે દ્વારા અહીં મુસાફરોની સુવિધાઓના વિસ્તરણ, માળખાકીય સુવિધાઓના વિકાસ તથા ટ્રેન સંચાલન સંબંધિત આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને અનેક મહત્ત્વપૂર્ણ કાર્યો કરવામાં આવી રહ્યાં છે.

અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત અંદાજે ₹17 કરોડનાં વિકાસ કાર્યો જેતલસર જંકશનનો પુનર્વિકાસ ભારત સરકારની મહત્ત્વાકાંક્ષી ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ અંતર્ગત અંદાજે ₹17 કરોડના ખર્ચે કરવામાં આવી રહ્યો છે, જેને 27 માર્ચ 2026ના રોજ મંજૂરી આપવામાં આવી હતી. આ યોજના અંતર્ગત સ્ટેશનના સર્ક્યુલેટિંગ એરિયા અને પાર્કિંગનો વિસ્તાર, સ્ટેશનના પ્રવેશ તથા બહાર નીકળવાના વિસ્તારનું સુધારણ, કવર શેડ, મહિલા, પુરુષ તથા દિવ્યાંગ મુસાફરો માટે અલગ શૌચાલય બ્લોક, પીવાના પાણીની સુવિધા, GRP કાર્યાલય તથા ઇલેક્ટ્રોનિક કોચ ગાઇડન્સ સિસ્ટમ જેવી આધુનિક સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે.

ફૂટ ઓવર બ્રિજ અને લિફ્ટથી મુસાફરોને મળશે વધુ સારી સુવિધા
મુસાફરોની અવરજવરને સરળ અને સુરક્ષિત બનાવવા માટે જેતલસર સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ (FOB)ની સુવિધાઓનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. પ્લેટફોર્મ નંબર 1 અને 2/3ને જોડતા 3.66 મીટર પહોળા ફૂટ ઓવર બ્રિજનો વિસ્તાર કરીને તેને પ્લેટફોર્મ નંબર 4/5 સુધી જોડવામાં આવ્યો છે, જેને 16 માર્ચ 2026થી મુસાફરો માટે કાર્યરત કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત, અંદાજે ₹13.42 કરોડના ખર્ચે 159 મીટર લાંબો અને 6 મીટર પહોળો ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, જે મંડળનો સૌથી લાંબો ફૂટ ઓવર બ્રિજ હશે. તેમાં તમામ પ્લેટફોર્મ પર લિફ્ટ તથા દિવ્યાંગજનોને અનુકૂળ સુવિધાઓની જોગવાઈ કરવામાં આવી છે. પ્લેટફોર્મ નંબર 2/3 પર લિફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત, વધુ એક 6 મીટર પહોળા ફૂટ ઓવર બ્રિજનું નિર્માણ કાર્ય પણ પ્રગતિ હેઠળ છે.

પાણી પુરવઠા અને આધુનિક માહિતી પ્રણાલીનો વિસ્તાર
સ્ટેશન પરિસર તથા રેલવે આવાસોમાં વધુ સારી પાણી પુરવઠાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે અંદાજે ₹90 લાખના ખર્ચે 2.25 લાખ લિટરની ક્ષમતા ધરાવતી આધુનિક RCC ઓવરહેડ વોટર ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેને 31 માર્ચ 2026ના રોજ કાર્યરત કરવામાં આવી હતી. તેના દ્વારા 113 રેલવે આવાસો તથા 3 સર્વિસ બિલ્ડિંગ્સને પાણી પુરવઠાની સુવિધા મળી રહી છે.
મુસાફરોને ટ્રેનો સંબંધિત સચોટ અને સમયસર માહિતી ઉપલબ્ધ કરાવવા માટે જુલાઈ 2026માં સ્ટેશન પર અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ (IPIS) પણ કાર્યરત કરવામાં આવી છે.

કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક રાહત માટે વિશેષ વ્યવસ્થા
જેતલસર જંકશનના વ્યૂહાત્મક અને સંચાલકીય મહત્ત્વને ધ્યાનમાં રાખીને કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી સુનિશ્ચિત કરવા માટે 14 જૂન 2026થી અહીં રોડ મોબાઇલ રિસ્ટોરેશન વ્હીકલ (RMRV) તૈનાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, આસપાસના વિસ્તારોમાં અકસ્માત રાહત અને બચાવ કામગીરી માટે રાજકોટ, વેરાવળ તથા ભાવનગર ખાતે એક્સિડન્ટ રિલીફ ટ્રેન (ART)ની વ્યવસ્થા ઉપલબ્ધ છે.

સ્ટાફ અને ટ્રેન સંચાલન સંબંધિત સુવિધાઓ અંગેની સ્થિતિ
જેતલસર સ્ટેશન પર રેલવેનો જરૂરી સંચાલકીય સ્ટાફ તૈનાત છે. જેતલસર ખાતે લોકો લોબી ઉપલબ્ધ છે અને કાર્યરત છે. કર્મચારીઓની ઉપલબ્ધતા તથા ટ્રેન સંચાલનની આવશ્યકતાઓ અનુસાર વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

હાલમાં જેટલસર સ્ટેશન વેરાવળ, પોરબંદર અને રાજકોટની વચ્ચે આવેલું છે, જ્યાં સંપૂર્ણ કોચિંગ અને વેગન (C&W) મેન્ટેનન્સની સુવિધાઓ ઉપલબ્ધ છે. તેથી વર્તમાન સંચાલકીય વ્યવસ્થા અનુસાર અહીં અલગથી પિટ લાઇન અથવા વોશિંગ લાઇનની તાત્કાલિક આવશ્યકતા નથી. ભવિષ્યમાં ટ્રાફિક અને સંચાલકીય આવશ્યકતાઓના આધારે વધારાના માળખાકીય વિકાસ અંગે વિચારણા કરવામાં આવશે.

તેવી જ રીતે, ઇલેક્ટ્રિક લોકો શેડની સ્થાપના તથા લાંબા અંતરની ટ્રેનોના વિસ્તરણ જેવા પ્રસ્તાવો પર પણ ભવિષ્યની જરૂરિયાતો અને સંચાલકીય વ્યવહારિકતાને અનુરૂપ વિચારણા કરવામાં આવશે.

કેટરિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે IRCTC સાથે સંકલન
જેતલસર સ્ટેશન પર મુસાફરોને ભોજન અને નાસ્તાની સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુથી રેલવે દ્વારા IRCTC સાથે આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભમાં મંડળ તરફથી IRCTCને પત્ર પણ મોકલવામાં આવ્યો છે.

જેતલસર જંકશન ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના સંદર્ભમાં રેલવે વહીવટીતંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે કે સ્ટેશન પર લોકો પાયલટ, સહાયક લોકો પાયલટ અને ટ્રેન મેનેજરના કુલ 58 મંજૂર પદોનું કેડર ઉપલબ્ધ છે, જેમાંથી 24 કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે અને તેઓ ત્યાં કાર્યરત છે. આ ઉપરાંત, જેતલસર સાથે સંબંધિત કર્મચારીઓના ટ્રાન્સફરના આદેશો પણ જારી કરવામાં આવ્યા છે,

જેમાં અગાઉના આદેશ અંતર્ગત 06 તથા તાજેતરના આદેશ અંતર્ગત 14 કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ કર્મચારીઓને રેલવે સંચાલન અને ટ્રેન કામગીરીની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને તબક્કાવાર અને ક્રમબદ્ધ રીતે શક્ય તેટલી વહેલી તકે કાર્યમુક્ત (Relieve) કરવામાં આવશે, જેથી રેલવે સેવાઓનું સુચારુ સંચાલન પ્રભાવિત ન થાય. રેલવે વહીવટીતંત્ર કર્મચારીઓની ઉપલબ્ધતા અને સંચાલકીય આવશ્યકતાઓ વચ્ચે યોગ્ય સમન્વય જાળવીને મુસાફરોને અવિરત રેલવે સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે.

પશ્ચિમ રેલવેનું ભાવનગર મંડળ જેતલસર જંકશનના વિકાસ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. રેલવે દ્વારા મુસાફરોની સુવિધા, સુરક્ષા, સરળ અવરજવર અને વધુ સારી રેલવે સેવાઓને પ્રાથમિકતા આપીને ઉપલબ્ધ સંસાધનોનો આયોજનબદ્ધ રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સ્ટેશન પર મંજૂર થયેલાં તથા પ્રગતિ હેઠળનાં વિકાસ કાર્યો આ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. રેલવે ભવિષ્યમાં પણ મુસાફરોની સંખ્યા, સંચાલકીય આવશ્યકતાઓ અને વ્યવહારિકતાને આધારે જેતલસર સ્ટેશનની સુવિધાઓને વધુ બહેતર બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહેશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર મંડળના રેલકર્મીએ પ્રામાણિકતાનો પરિચય આપતાં અંદાજે ₹90,000ની કિંમતનું ખોવાયેલું સોનાનું આભૂષણ પરત કર્યું

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં મુસાફર સેવા, પ્રામાણિકતા અને માનવીય સંવેદનશીલતાનું…

ઓપરેશન અમાનત અંતર્ગત RPF દ્વારા મહિલા મુસાફરને ₹17,000ની કિંમતનો ખોવાયેલો મોબાઇલ સુરક્ષિત રીતે પરત સોંપાયો

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં રેલવે સુરક્ષા બળ (RPF) દ્વારા મુસાફરોનો ખોવાયેલો…

ભાવનગર મંડળમાં આયોજિત બે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ શિબિરોનો 120થી વધુ રેલવે પેન્શનરોએ લીધો લાભ

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં રેલવે પેન્શનરો અને પરિવાર પેન્શનરોની સુવિધા તથા…

1 of 88

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *