Latest

મુખ્યમંત્રીએ પોરબંદરમાં મહાત્મા ગાંધીજીની 155મી જન્મ જયંતીએ બાપુને અર્પણ કરી પુષ્પાંજલિ

પોરબંદર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીજીની 155 ની જન્મ જયંતિએ પૂજય બાપુના જન્મ સ્થળ પોરબંદર કીર્તિ મંદિર ખાતે રાષ્ટ્રપિતાને પુષ્પાંજલિ અર્પી હતી.

ગાંધીજીને પ્રિય એવી સ્વચ્છતા માટે સમગ્ર રાષ્ટ્રમાં સ્વચ્છ ભારત મિશનનો સંદર્ભ આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આઝાદીના 7 દાયકામાં સ્વચ્છતા માટે મહત્વનું કાર્ય જન ભાગીદારી સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયું છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રી સગૌરવ જણાવ્યું કે, સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ સમગ્ર રાષ્ટ્રમાં- ગુજરાતમાં સૌ એક કલાકના શ્રમદાનમાં ગાંધીજીની જન્મ જયંતીની પૂર્વ સંધ્યાએ જોડાયા છે.

સ્વચ્છતા કોઈ એક દિવસનું કાર્ય નથી પરંતુ સૌની સામૂહિક જવાબદારી -સામાજિક દાયિત્વ છે તેમ જણાવીને મુખ્યમંત્રીએ વડાપ્રધાનના માર્ગદર્શનમાં આ કાર્ય આગળ ધપાવાનું છે અને કાયમી મંત્ર બનાવવાનો છે તેમ પણ જણાવ્યું હતું.

સત્ય ,અહિંસા અને સત્યાગ્રહ નો માર્ગ ચિંધી સમગ્ર વિશ્વને પ્રેરણા આપનારા પૂજ્ય બાપુના વિચારોને આત્મસાત કરવા આહવાન કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે અંત્યોદયથી સર્વોદયનો મહાત્મા ગાંધીનો મંત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં રાષ્ટ્રમાં સાર્થક થયો છે.

મુખ્યમંત્રીએ મહાત્મા ગાંધીના પ્રાર્થના અંગેના વિચારોને આત્મસાત કરવા તેમજ પ્રાર્થનાથી આત્મ શુદ્ધિ થાય છે અને વિશ્વભરમાંથી પ્રવાસીઓ કીર્તિ મંદિર આવીને પ્રેરણા મેળવે છે તેમ પણ જણાવ્યું હતું.

સત્યાગ્રહના માર્ગે દેશની આઝાદી અને મહાત્મા ગાંધીના સ્વરાજ અને ખાદીના વિચારોને સાકાર કરવા આત્મનિર્ભર ગુજરાતથી આત્મ નિર્ભર ભારત સંદર્ભમાં ખાદીને ગુજરાતમાં પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આજથી 31 ઓક્ટોબર સુધી ખાદીના વેચાણ પર 20 ટકા નું વળતર આપવામાં આવશે. કીર્તિ મંદિરમાં નીરવ જોશી અને સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોએ મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પતા અને ભાવમય પ્રાર્થના સંગીતની પ્રસ્તુતિ કરી હતી. કીર્તિ મંદિરમાં મુખ્યમંત્રીએ મહાત્મા ગાંધીના સ્મૃતિ સ્થળની પણ મુલાકાત લઇ વિઝીટ બુકમાં નોંધ પણ કરી હતી.

પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, પૂજ્ય બાપુનું જીવન એ જ એમનો સંદેશો છે. પૂજ્ય બાપુના વિચારો અને સિધ્ધાંતો ભલે તે સમયના હોય પણ આજે પણ તે એટલા જ પ્રાસંગિક અને પ્રેરણાદાયી છે.

વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, પૂજ્ય બાપુ સ્વચ્છતા આગ્રહી હતા. બાપુના વિચારો અને મૂલ્યોને કંડારીને દીર્ઘ દ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પૂજ્ય બાપુની ૧૫૦મી જન્મ જયંતી નિમિતે સમગ્ર દેશમાં સ્વચ્છતાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કર્યું હતું.

જાહેર સ્થળો સહિત સ્વચ્છ અને સુઘડ રહે તે માટે “સ્વચ્છતા હી સેવા ” જન અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ગઈકાલે સૌએ એક કલાક શ્રમદાન કર્યું હતું. આપણે સૌ સ્વચ્છતા જાળવીયે તે જ બાપુને સાચી શ્રદ્ધાંજલિ છે.

મુખ્યમંત્રીને પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા ચરખો તેમજ જિલ્લા કલેકટર કે. ડી.લાખાણી દ્વારા પૂજ્ય બાપુ તૈલચિત્ર આપવામાં આવ્યા હતા. તેમજ ગુજરાત, દમણ અને દીવના નેવીના ચીફ રિયલ એડમિરલ અનિલ જગ્ગી દ્વારા મુખ્યમંત્રીને કેપ પહેરાવી સન્માનિત કર્યા હતા. તેમજ પ્રાર્થનાસભામાં ઊપસ્થિત સૌ કોઈએ સ્વચ્છતાના શપથ લીધા હતા.

કીર્તિ મંદિર સર્વધર્મ પ્રથનાસભામાં રાજ્યસભા સાંસદ રામભાઇ મોકરીયા, પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરબતભાઇ પરમાર, નગરપાલીકા પ્રમુખ શ્રીમતી ચેતનાબેન તિવારી, ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા, કલેકટર કે. ડી. લાખાણી, જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કર, રેન્જ આઇજી નિલેશ જાજડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, પોરબંદર-છાયા , પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરીયા, અગ્રણી રમેશભાઈ ઓડેદરા, પ્રશાંત કોરાટ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નગરજનો ઊપસ્થિત રહી પૂજ્ય મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *