Latest

સેવા સેતુ કાર્યક્રમ દ્વારા વાદી સમાજના અનાથ બનેલા બાળકને મળી જન્મ દિવસની નવતર ભેટ

પિતા અવસાન પામતા અને માતાએ પુન: લગ્ન કરી લેતા અનાથ બનેલા બાળકના ઉછેરની જવાબદારી સંભાળતા દાદા-દાદીને હવે મળશે પાલક માતા-પિતા યોજનાનો લાભ*

બેડવા ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં અનાથ બાળકના દાદીને સ્થળ ઉપર જ સરકારની પાલક માતા-પિતા યોજનાનો સહાય હુકમ આપી વહિવટી તંત્રએ કરાવ્યા સંવેદનશીલતાના દર્શન

આણંદ, શનિવાર :: લોકો દ્વારા ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ જ્યારે લોકોની સુખાકારી માટે કાર્ય કરે છે ત્યારે લોકશાહીના અનેરા પરિણામો આપણને પ્રાપ્ત થતા હોય છે. આવા જન પ્રતિનિધિઓની બનેલી સંવેદનશીલ સરકાર દ્વારા લોકસુખાકારી માટે અમલી બનાવવામાં આવેલ યોજનાઓ જ્યારે સાચા લાભાર્થીઓ સુધી પહોંચે છે ત્યારે તેના સુંદર પરિણામ જોવા મળે છે. આવું જ એક પરિણામલક્ષી કાર્ય તાજેતરમાં આણંદ જિલ્લાના બેડવા ગામે યોજાયેલા ‘‘સેવા સેતુ’’ કાર્યક્રમના માધ્યમથી થયું છે.

બેડવા ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં આવેલા આંકલાવડી ગામના વૃધ્ધ વાદી દંપતિની મુશ્કેલીનું સ્થળ ઉપરથી જ તાત્કાલિક નિરાકરણ કરવાની સાથે લાભાર્થી બાળકનો સેવા સેતુ કાર્યક્રમના દિવસે જ જન્મ દિવસ હોય તેને જન્મ દિવસની નવતર ભેટ સ્વરૂપે સરકારની પાલક માતા-પિતા યોજનાનો લાભ પણ આપવામાં આવ્યો હતો. જેણે સરકારની સાથે જિલ્લા પ્રશાસનમાં રહેલા કર્મયોગીઓની સંવેદનશીલતાના દર્શન કરાવ્યા હતા.

આણંદ જિલ્લાના બેડવા ખાતે પ્રાંત અધિકારી શ્રી વિમલ બારોટના અધ્યક્ષસ્થાને યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં આણંદ તાલુકાના આંકલાવડી ગામના વૃધ્ધ વાદી દંપતિ તેમના ૩ વર્ષના પૌત્ર લલીત સાથે ઉપસ્થિત રહીને તેમના પૌત્રના પાલન – પોષણ માટે સહાય માટેની માંગણી કરી હતી. જોગાનુજોગ આજે તેમના આ પૌત્ર લલીતનો જન્મ દિવસ પણ હતો.

સેવા સેતુમાં ઉપસ્થિત પ્રાંત અધિકારીશ્રીએ વૃધ્ધ વાદી દંપતિની વિકટ કથા સાંભળી તેમને તુરત જ સરકારશ્રીની પાલક માતા-પિતા યોજનાનો લાભ આપવા સબંધિત વિભાગના અધિકારીશ્રીને જણાવ્યું હતુ.

પ્રાંત અધિકારીશ્રીના સૂચન બાદ તુરત જ સમાજ સુરક્ષા/બાળ સુરક્ષા એકમના સામાજિક કાર્યકર ક્રિષ્નાબહેન પટેલ તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા આ વૃધ્ધ દંપતિની અરજી સ્વીકારી, તે સંદર્ભે કરવાની થતી તમામ કાર્યવાહી સ્થળ ઉપર જ પૂર્ણ કરી વાદી દંપતિને સરકારશ્રી દ્વારા મળતી પાલક માતા-પિતા યોજનાના સહાય મંજૂર કરી પ્રાંત અધિકારી શ્રી વિમલ બારોટના હસ્તે તેનો હુકમ લાભાર્થી બાળક લલીતના પાલક માતા-પિતા બનેલા આ વૃધ્ધ વાદી દંપતિને સ્થળ ઉપર જ આપવામાં આવ્યો હતો. લલીતના જન્મ દિવસની અનોખી ઉજવણી સ્વરૂપ મળેલ આ હુકમની નવતર ભેટની સાથે લાભાર્થી બાળકને ફ્રુટની ટોપલી આપીને તેના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવતા બાળકની સાથે આ વૃધ્ધ વાદી દંપતિના ચહેરા પર આનંદની લાગણી જોવા મળી હતી.

સરકારની પાલક માતા-પિતા યોજનાનો લાભ મળવાથી હવે તેઓ તેમના પૌત્રના ભરણ-પોષણની સાથે તેને સારું ભણાવી પણ શકશે, તેમ જણાવી આ યોજનાના લાભ બદલ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતાં આ વૃધ્ધ વાદી દંપતિએ તેમની વ્યથા વર્ણાવતા કહયું હતુ કે, અમે આંકલાવડી ગામે રહીએ છીએ. અમારા દિકરા લક્ષ્મણભાઈ વાદીનું ૧૭-૧૨-૨૦૨૦ના રોજ આકસ્મિક અવસાન થયું ત્યારે તેના પરિવારમાં તેની પત્ની હતી. અમારા દિકરા લક્ષ્મણના મૃત્યુ બાદ માત્ર પાંચ દિવસ પછી તેની પત્નીએ દિકરાને જન્મ આપ્યો હતો.

પુત્ર લક્ષ્મણના મૃત્યુ બાદ તેની પત્ની ભાવના તેના ૩ માસના બાળક લલીતને મૂકીને અન્ય ગામે પુન:લગ્ન કરી લેતા અમારી ઉપર અમારા ૩ માસના પૌત્રની જવાબદારી આવી પડી હતી, તેમ જણાવતાં લાભાર્થી બાળક લલીતના દાદી મંજુલાબહેને ઉમેર્યું હતુ કે, અમારા છોકરાના મૃત્યુ પછી તેના છોકરાની જવાબદારી અમારા ઉપર આવી ગઈ. અમે મજુરી કરીને ત્રણ વરહ કાઢયા. એવા સમયે અમને આંકલાવડી ગ્રામ પંચાયતમાં તલાટી કે. બી. શાહ સાહેબ મળ્યા. એમણે જોયું કે, અમારા છોકરાના આ છોકરાને નિહાળમાં બેહાડવા માટે અમે બધે સહીઓ કરીએ છીએ અને એને અમે હાચવીએ છીએ. એટલે એ અમને આ સેવા સેતુમાં લઈ આવ્યા.

અહીંયા આવ્યા પછી તલાટી સાહેબે અને ક્રિષ્નાબેને અમારા બધા જ કાગળિયા કરી દિધા, તેમ કહેતા લાભાર્થી લલીતના દાદીએ ગદગદ્દીત સ્વરે જણાવ્યું હતુ કે, આજે અમારા આ છોકરાના છોકરાનો જન્મ દિવસ પણ છે. અમે સેવા સેતુમાં આવ્યા પછી અમારી વાત સાંભળીને બારોટ સાહેબે પણ ખૂબ મદદ કરી અને હવે અમને દર મહિને ૩ હજાર રૂપિયા સરકાર તરફથી આપવાના કર્યા છે અને અમને કહયું છે કે, તમારા આ છોકરાને નિહાળે મોકલજો અને સારી રીતે હાચવજો.

સરકારના કારણે હવે અમે અમારા છોકરાના આ છોકરાને સારી રીતે હાચવી શકીશુ. તેમ જણાવતાં આ વૃધ્ધ વાદી દંપતિની આંખો ખુશીના અશ્રુથી છલકાઈ ગઈ હતી. જે સરકારની છેવાડાના લોકો માટેની સંવેદનશીલતાની મૂક સાક્ષી પૂરી રહયા હતા.

ઉલ્લેખનીય છે કે, પાલક માતા-પિતા યોજનામાં પાલક માતા-પિતાને રાજ્ય સરકાર તરફથી બાળકની ૧૮ વર્ષની ઉમર થાય ત્યા સુધી પ્રતિમાસ રૂપિયા ૩,૦૦૦/- ની આર્થિક સહાય આપવામાં આવે છે.

રિપોટ ભૂમિકા પંડ્યા આણંદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 552

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *