ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગનાં અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
બિરસા મુંડાનું જીવન સાહસ, સ્વાભિમાન અને રાષ્ટ્રસેવાની ભાવનાની પ્રેરણા આપે છે: ધર્મિષ્ઠાબેન ગજ્જર
આદિવાસી સમાજની ગૌરવશાળી સંસ્કૃતિ અને પરંપરા દેશની અમૂલ્ય ધરોહર: મેયર શ્રીમતી ઉષાબેન તલરેજા
પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ અને રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર રમતવીરોનું સન્માન કરાયું
ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ભાવનગરના યશવંતરાય નાટ્યગૃહ ખાતે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગનાં ચેરમેન શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને તથા મેયર શ્રીમતી ઉષાબેન તલરેજાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો જનજાતીય ગૌરવ દિવસ ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગનાં ચેરમેન શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાએ અંગ્રેજ શાસનના અન્યાય અને શોષણ સામે આદિવાસી સમાજને સંગઠિત કરી જળ, જંગલ અને જમીનના અધિકારો માટે સંઘર્ષ કર્યો હતો. તેમનું જીવન સાહસ, સ્વાભિમાન અને રાષ્ટ્રસેવાની પ્રેરણા આપે છે. જનજાતીય ગૌરવ દિવસ આદિવાસી સમાજના શૌર્ય, સંસ્કૃતિ અને ગૌરવશાળી વારસાને સન્માનવાનો અવસર છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ, આરોગ્ય, આવાસ અને રોજગાર ક્ષેત્રે અમલી વિવિધ યોજનાઓ આદિવાસી સમાજના સર્વાંગી વિકાસમાં મહત્ત્વપૂર્ણ બની રહી છે.
બાળ અધિકારો અંગે તેમણે જણાવ્યું હતું કે, બાળકોને શિક્ષણ, સંસ્કાર અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવું એ સમાજની સહિયારી જવાબદારી છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે બાળકોનું યોગ્ય ઘડતર અનિવાર્ય છે. બાળકોના અધિકારોનું રક્ષણ કરી તેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં સહભાગી બનવા તેમણે સૌને અપીલ કરી હતી.
મેયર શ્રીમતી ઉષાબેન તલરેજાએ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાનું જીવન સ્વાભિમાન, સંઘર્ષ અને સમાજસેવાની અખૂટ પ્રેરણા આપે છે. આદિવાસી સમાજની ગૌરવશાળી સંસ્કૃતિ અને પરંપરા દેશની અમૂલ્ય ધરોહર છે. યુવા પેઢીએ ભગવાન બિરસા મુંડાના જીવનમાંથી આત્મસન્માન, સંગઠિત શક્તિ અને શિક્ષણનું મહત્ત્વ સમજી સમાજના સર્વાંગી વિકાસમાં સક્રિય યોગદાન આપવું જોઈએ.
કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ તેમજ રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓ અને સિદ્ધિઓની ઝાંખી દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ તથા વડાપ્રધાનશ્રીના વર્ચ્યુઅલ સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે આત્મા ઉન્નતિ યુવક મંડળના કલાકારોએ આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી કરાવતું મનમોહક પરંપરાગત લોકનૃત્ય રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા તા. ૧૨થી ૧૮ નવેમ્બર દરમિયાન રાજ્યભરમાં જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.
કાર્યક્રમના અંતે આદિજાતિ વિકાસ અધિકારી કાજલબેન ચાવડાએ આભાર વિધિ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી,આગેવાન શ્રી કુમાર શાહ, શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, શ્રી અભયસિંહ ચૌહાણ, શાસક પક્ષના નેતા શ્રી લાલભા વાળા, શ્રી ધવલ દવે, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના મદદનીશ પ્રાયોજના અધિકારી શ્રી હિતેશભાઈ પંડ્યા અને લાલુદાન ગઢવી,
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢ નાં અધિકારી દેવેન્દ્ર ત્રિવેદી સહિત મહાનગરપાલિકા અને વહીવટી તંત્રના અધિકારીઓ-પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
















